જુનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતા ખેડૂતનો અનેરો પક્ષી પ્રેમ જોવા મળ્યો છે. રોજ 5 હજાર પક્ષીઓને ચણ ખવડાવી સાર સંભાળ લેતા બર્ડમેનના અનેરા પક્ષીપ્રેમની સૌકોઈ સરાહના કરી રહ્યા છે.
આજના ઝડપી અને કોમ્પ્યુટરાઈઝ યુગમાં અબોલ જીવ પ્રત્યે લગાવ રાખી હજારો પક્ષીઓની સંભાળ અને સૃસુશા કરતા એક પક્ષી પ્રેમીની વાત છે. જુનાગઢ જિલ્લાના કેશોદમાં માત્ર 10 વિઘા જમીન ખેતીવાડી ધરાવતા હરસુખ ડોબરીયા વ્યવસાયે ખેડૂત હોવાથી ખેતીકામ કરી રહ્યા છે. ખેતી કામ સાથે પક્ષી પ્રત્યે પ્રેમ દર્શાવી બર્ડમેન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર હરસુખ ડોબરીયા છેલ્લા 27 વર્ષથી પોતાની 10 વિઘા જમીનમાં થતી પાકોની આવક માત્ર હજારો પક્ષીઓને ચણ આપી અબોલ પક્ષીઓની સાર સંભાળ સાથે પક્ષીપ્રેમ વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે. ખેતીની આવકમાંથી હરસુખભાઈ હજારો પક્ષીઓ માટે બાજરાના ડુંડા ખરીદીને ખવડાવે છે.
પક્ષીપ્રેમી હરસુખભાઈએ જણાવ્યુ હતું કે, જૂન માસમાં ચોમાસાના દિવસોમાં પક્ષીઓને ખાવાનું મર્યાદિત મળતું હોવાથી અમારી વાડીએ એક વખત બાજરાના ડુંડા રાખતા, પ્રથમ 2 પોપટ આવ્યા ત્યારબાદ 5 પાંચ પોપટ આવ્યા, અને ધીમે ધીમે પક્ષીઓની સંખ્યા વધતા અમે બાજરાના ડુંડા મુકવા ખાસ સ્ટેન્ડ બનાવ્યું અને હાલમાં આજે 5 હજાર પક્ષીઓમાં પોપટ સહિત ચકલા, ચકલીઓ અને કબૂતર સહિત અન્ય પક્ષીઓ વાડીએ આવે છે, અને ચણ આરોગી પોતાની તૃષા સંતોષી રહ્યા છે. પોપટ સાથે પ્રેમની કહાનીમાં તેમના પત્નીની સેવા અને પુત્રની સેવા પણ રહેલી છે, અને અબોલ પક્ષીઓને ખવડાવી ધન્યતા અનુભવતા ખેડૂત પરિવાર રોજના 5 હજાર પક્ષીઓની સાર સંભાળ લઈ પક્ષી પ્રત્યેનો પ્રેમ અનેરી રીતે દર્શાવી ખુદને ધન્ય બનાવી રહ્યા છે.
જોકે, લોકોને પક્ષીઓ પ્રત્યે પ્રેમનો સંદેશ આપતા હરસુખભાઈએ જણાવ્યું હતું કે, અબોલ પક્ષીઓને ઉડવા માટે કુદરતે વિશાળ ગગન આપ્યું છે, માટે પક્ષીઓને પોતાની રીતે ગગનમાં વિહરવા દેવા જોઈએ. પક્ષીઓનો કુદરતી રીતે વિહરવાનો હક્ક છીનવી લઈ અબોલ પક્ષીઓને ઘરમાં પિંજરામાં કે, અન્ય રીતે કેદ કરી બંધનમાં રાખવાનો માનવ જાતને કોઈ અધિકાર નથી. કોરોના કાળના લોકડાઉનમાં જ્યારે આપણે ઘરમાં કેટલા મહિના કેદ રહ્યા, તેવામાં સમગ્ર માનવ જાત કંટાળી ગઈ હતી. ત્યારે આ તો કુદરતના ખોળે ખેલનારા અને મુક્ત રીતે વિહારનારા કુદરતના સર્જેલા અબોલ પક્ષીઓ છે, તેમને મુક્ત રાખવા બર્ડમેનએ અંતમાં લોકોને અપીલ કરી ઉત્તમ સંદેશ આપ્યો હતો.