ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીતનો સિલસિલો જારી રાખવા માંગે છે. આ માટે ભાજપે તબક્કાવાર પ્લાન તૈયાર કર્યો છે. પાર્ટી જિલ્લાવાર અને બેઠક મુજબના નેતાઓને જવાબદારી સોંપી હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપના પ્રચાર માટે અનેક રાજ્યોના મોટા મંત્રીઓ પણ ગુજરાતમાં જઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં દિવાળી બાદ વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ શકે છે. તેવામાં ભાજપ છેલ્લા ઘણા મહિનાઓથી ચૂંટણી મોડમાં આવી ગયું છે. ભાજપે ચૂંટણીમાં જ્વલંત જીત હાંસલ કરવા માટે ફુલપ્રૂફ પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે 182 બેઠક માટે કમર કસી છે. પ્રાપ્ત વિગતો મુજબ આ ચૂંટણીમાં જીત અંકે કરવા રાજ્યના મંત્રીઓ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને RSS સાથે જોડાયેલા લોકોને પ્રદેશ અને જિલ્લાવાર જવાબદારી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના નેતાઓને અનુક્રમે સૌરાષ્ટ્ર, પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.
યુપી સરકારના મંત્રીઓને કોંગ્રેસની પરંપરાગત બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. સ્વતંત્ર દેવ સિંહને અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર આપવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યસભાના સાંસદ લક્ષ્મીકાંત બાજપાઈને જૂનાગઢ પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, માણાવદરમાં કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે કેશોદ બેઠક પર જ ભાજપ જીતી શક્યું હતું. મહિસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર બેઠકની જવાબદારી રાજ્યમંત્રી જેપીએસ રાઠોડ સંભાળશે. ગત ચૂંટણીમાં સંતરામપુર બેઠક પર ભાજપને સફળતા મળી હતી, જ્યારે બાલસિનોર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. લુણાવાડા બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં આવી હતી. રાજ્યમંત્રી દયાશંકર સિંહ રાજકોટ જિલ્લાનું ધ્યાન રાખશે. આમ ભાજપ દ્વારા બહારના તેના તમામ મંત્રીઓ અને હોદેદારોને મિશન ગુજરાત સોંપવામાં આવ્યું છે.