રતનમહાલના જંગલ વિસ્તારમાં જોવા મળ્યો વાઘ
મધ્યપ્રદેશથી રતન મહાલના જંગલમાં વાઘનો પ્રવેશ
વાઘના ખોરાક માટે 35 હરણ મુક્ત કરવામાં આવ્યા
વાઘ સ્થાયી થતાં વન વિભાગનું સતત મોનિટરીંગ
નેશનલ ટાઇગર કન્વર્ઝેશન ઓથોરિટી દ્વારા મોનિટરીંગ
રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે, તેવી માહિતી સામે આવી છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે. દાહોદ જિલ્લાના રતનમહાલના જંગલમાં વાઘ સ્થાયી થયો હોવાની માહિતી મળતા વન વિભાગે મોનિટરીંગ શરૂ કર્યું છે.
મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના રતનમહાલના જંગલોમાં 9 મહિનાથી વાઘ સ્થાયી થયો છે. મધ્યપ્રદેશથી રતન મહાલના જંગલમાં વાઘ પ્રવેશ્યો હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 9 મહિનાથી આ વાઘ રતનમહાલના જંગલમાં ફરી રહ્યો હતો, પણ હવે તે આ જ જંગલોમાં સ્થાયી થયો છે. બનાવના પગલે વન વિભાગ વાઘનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે. વાઘના ખોરાક માટે અભયારણ્યમાં 35 હરણ મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, આ વાઘે એક બકરીનું મારણ પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
તો બીજી તરફ, નેશનલ ટાઇગર કન્વર્ઝેશન ઓથોરિટીના નિષ્ણાંતોએ આ વાઘને જોઇ લીધો છે. જેથી નર વાઘ માટે NTCA પાસેથી માદા વાઘ મેળવાશે તેવી માહિતી પણ મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના જાંબુઆ નજીક વાઘની ઘણી વસતી છે, અને ત્યાંથી ફરતો ફરતો એક વાઘ રતન મહાલના જંગલમાં આવી ચડ્યો હોવાનું વન વિભાગે અનુમાન લગાવ્યું છે, ત્યારે હવે ફરીથી ગુજરાતમાં એક વાઘ દેખા દેતાં વન્ય પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.