-
અમરેલી લેટરકાંડ મામલે વધી રહ્યા છે આક્ષેપો અને વિવાદો
-
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ આપ્યા તપાસના આદેશ
-
સ્ટેટ મોનીટરીંગ સેલના IG નિરલિપ્ત રાયને તપાસ સોંપાય
-
SMCના વડા નિર્લિપ્ત રાય તપાસ અર્થે અમરેલી પહોંચ્યા
-
વર્ચસ્વની લડાઈ લડતા નેતાઓમાં ચિંતાનો માહોલ સર્જાયો
અમરેલી લેટરકાંડ મામલે આક્ષેપો અને વિવાદો વધતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના IG નિરલિપ્ત રાયને સોંપવામાં આવી છે, ત્યારે SMCના વડા નિર્લિપ્ત રાય અમરેલી પહોંચતા વર્ચસ્વની લડાઈ લડતા નેતાઓમાં ચિંતા જોવા મળી છે.
ગત તા. 27-12-2024 ના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિઓએ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયામાં નામનો બનાવટી લેટરપેડ કપટ પૂર્વક બનાવી જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે લેટરપેડમાં કૌશિક વેકરીયા રેતી, દારૂના 40 લાખનો હપ્તો પોલીસ પાસેથી લેતા હોવાનો ગંભીર આરોપ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આ લેટર પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરને સંબોધી વાયરલ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પોલીસ તપાસમાં પ્રથમ મનિષ વઘાસિયાએ કાગળ ઉપર કાચું લખાણ અને તાલુકા પંચાયત પ્રમુખ લેટરહેડ પાયલ ગોટીને આપેલું હતું, જે લખાણ પાયલ ગોટીએ કોમ્પ્યુટરરાઈઝ કરી તેની નકલ લેટરપેડ વાળા પેડમાં પ્રિન્ટ કાઢી તેની PDF બનાવીને મનિષ વઘાસીયાને વોટ્સએપથી મોકલી હતી.
બાદમાં મનીષે આ PDF અશોક માંગરોળીયાને મોકલી હતી. અશોકે મનિષના કહેવાથી PDF કરેલા લેટરપેડમાં લખાણ ખોટું હોવાનું જાણતા હોવા છતાં કોઈપણ જાણ્યા વગર પોતાનો બદ ઈરાદો પાર પાડવા માટે લેટરપેડ PDF સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ થતા કેટલાક લોકોએ આ યુવતીનું સરઘસ પોલીસએ જાહેરમાં કાઢ્યું હોવાના આક્ષેપો કર્યા હતા.
ત્યારબાદ કેટલાક પાટીદાર સમાજના લોકો અને કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આક્રમણ રીતે સરકાર સુધી વરઘોડાનો મુદ્દો પહોંચાડયો હતો, જેના કારણે વધુ રાજકારણ ગરમાયુ છે. તો બીજી તરફ, અમરેલી પોલીસની કામગીરી સામે પણ સાવલો ઉઠાવી કાર્યવાહી કરવા માટેનો સુર ઉભો થયો છે, ત્યારે અમરેલી લેટરકાંડનો મામલો ચેક ગાંધીનગર સુધી પહોંચતાં આ તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવી છે.
જેમાં SMCના વડા નિર્લિપ્ત રાય તપાસ માટે અમરેલી આવી પહોચ્યા છે. જેમાં તેઓએ પોલીસે પાયલ ગોટીના રિકન્સ્ટ્રક્શન અને પંચનામા દરમિયાન સરઘસ કાઢ્યું છે કે કેમ ? તપાસમાં કોઈ બિનઅધિકૃત કૃત્ય કર્યું છે કે કેમ? પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી છે કે કેમ? જે અંગે કેટલાક પોલીસ કર્મચારીના નિવેદનો લઈ પૂછપરછ કરી શકે છે.