અંધશ્રધ્ધાનું જીવંત ઉદાહરણ
આત્મા લેવા પહોંચ્યા પરિવારજનો
બળવાએ કરી તાંત્રિક વિધિ
હોસ્પિટલે વિધિની કરી હતી મનાઈ
વિજ્ઞાનજાથાએ ઘટનાની નિંદા વ્યક્ત કરી
છોટાઉદેપુર જિલ્લાના ખોડવલી ગામના એક મૃતકની આત્માને લેવા માટે પરિવારજનો હોસ્પિટલ આવ્યા હતા,અને બળવા પાસે વિધિ કરાવીને અંધશ્રદ્ધાનું પ્રદર્શન કર્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના ખોડવલી ગામના એક મૃતકની આત્મા લેવા પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.અને વિધિ કરી હતી.ખોડવલી ગામના 60 વર્ષીય ધનજીભાઈ વેચલાભાઈ રાઠવા ઘણા સમયથી બીમાર રહેતા હતા,તેઓને બીમાર હોવાથી છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.બીમારી દરમિયાન છોટાઉદેપુર હોસ્પિટલ ખાતે ત્રણ દિવસ પહેલા તેઓનું મોત નીપજ્યું હતું.તેમની આત્મા લેવા માટે આજે બળવા સાથે પરિવારજનો સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. અને હોસ્પિટલના ગેટ પાસે વિધિ કરીને આત્મા લઈ જવાની ઘટના સામે આવી હતી.બળવા નટુડીયા રાઠવાએ હોસ્પિટલના ગેટ પર વિધિ કરીને એક કળશમાં મૃતકની આત્માને લઇને પરત ગયા હતા.
જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ કેવલ મોદીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલ આવી કોઈ બાબતને સમર્થન આપતું નથી અને પરવાનગી પણ આપતું નથી,જોકે તેમછતાં આ પ્રકારની વિધિ હોસ્પિટલના ગેટ પાસે કરવામાં આવી હતી.
આ અંધશ્રદ્ધાના બનાવને લઈને વિજ્ઞાનજાથાના જયંત પંડ્યા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે, અને જણાવ્યું હતું કે છોટાઉદેપુરની ઘટનાની અંદર આત્મા લઈ જવાનો એક નિમ્ન પ્રયાસ કરેલો છે.જે ઘટનાની તેઓએ નિંદા કરી હતી.