છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ગામ પાસે ઝરવા પુલ ઉપર અમદાવાદથી છોટાઉદેપુર આવતી એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. બસમાં સવાર 25થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે હાઇવે ઉપર એક કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, અમદાવાદથી છોટાઉદેપુર આવતી એસટી બસમાં બોડેલી-છોટાઉદેપુર હાઇવે પર પુનિયાવાંટ ગામ નજીક અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા એસટી બસના ડ્રાઇવરે બસને રોડ ઉપર ઉભી કરી દેતા બસમાં સવાર 25 જેટલા મુસાફરો અને કંડકટર ઉતરી ગયા હતા. તો કેટલાક મુસાફરો પોતાનો જીવ બચાવવા બસની બારી અને દરવાજામાંથી કૂદી ગયા હતા. આગ લાગતાં જ બસ 5 મિનિટમાં જ ભળભળ સળગી ઊઠી હતી.
તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ છોટાઉદેપુર એસટી વિભાગના અધિકારીઓ, ફાયર ફાઈટરો સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો બોડેલી-વડોદરા હાઈવે ઉપર પુનીયાવાટ ગામ નજીક વાહનોની લાંબી કતાર સાથે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.