Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : 100 એકરનો ઘેરાવો ધરાવતું સૌથી મોટું કુંદનપુર તળાવ ખાલીખમ, તળાવ ભરવા સ્થાનિકોની માંગ

બોડેલી તાલુકાનું કુંદનપુર તળાવ ભરવા સ્થાનિકોની માંગ, તળાવ ખાલીખમ હોવાથી ખેતી અને સિંચાઈ માટે બાધા.

X

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંદનપુર ગામના સિંચાઈ તળાવ સાવ ખાલીખમ હોવાના કારણે કમાન્ડ વિસ્તારના 500થી 600 હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈ માટે બાધા પડી રહી છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી સુધી ગામના આગેવાનોએ રજૂઆત કરી છે, ત્યારે હવે કુંદનપુર તળાવમાં નર્મદા મુખ્ય નહેરમાંથી પાણી છોડી તળાવ ભરવામાં આવે તેવી સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના હેઠળ જે રીતે બંધ અને તળાવોમાં નર્મદા નહેરમાંથી પાણી છોડવામાં આવે છે. તેવી જ રીતે બોડેલી તાલુકાના કુંદનપુરનું તળાવ અહીથી 2 કિલોમીટર દૂરથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી ભરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની રહી છે. 100 એકરનો ઘેરાવો ધરાવતું છોટાઉદેપુર જિલ્લાનું આ સૌથી મોટું સિંચાઈ તળાવ છે. અહીં 600 હેક્ટર જેટલી ખેતી તળાવના પાણી પર નિર્ભર છે. કુંદનપુર તળાવ છેલ્લા કેટલાક વર્ષોથી સાવ ખાલી રહે છે. તળાવના સ્ત્રાવ વિસ્તારમાંથી પૂરતા પાણી આવતા નથી. તેમજ તળાવની સ્પ્રિંગમાંથી પણ પાણીનો સ્ત્રોત બંધ થયો હોય તેમ જણાય રહ્યું છે.

કુંદનપુર વિસ્તાર જીયોલોજીસ્ટ પરિભાષામાં રેડ ઝોન હેઠળ આવેલ છે. એટલે કે, અહીં ભૂગર્ભ જળ મળી આવતું નથી. 700, 800 કે 1000 ફૂટ જેટલું ઊંડે જવા છતાં પણ પાણી મળતું નથી. અહી અસંખ્ય કરાયેલા બોર પણ ફેલ ગયા છે. પશુઓ તથા માનવજાત માટે પણ અહી પીવાનું પાણી દુર્લભ બન્યું છે. અનેક વખત તંત્ર અને રાજ્ય કક્ષાએ આગેવાનોએ રજૂઆતો કરી છે. પરંતુ ગ્રામજનોની રજૂઆત કોઈ સાંભળતું નથી. અહીં ખેતીવાડી માટે પાણી ક્યાંથી મેળવવું તે પણ એક મોટો પ્રશ્ન છે. સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવા પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ કુંદનપુર વિસ્તારના ખેડૂતો પાણી માટે ટળવળી રહ્યા છે.

Next Story