કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને AAP વચ્ચે સર્જાયું ઘર્ષણ
કેટલાક પ્રશ્નોને લઈને MLA ચૈતર વસાવાની તંત્રને રજૂઆત
TDOએ ભાજપ સદસ્ય બનાવવા કર્મચારીઓને ટાર્ગેટ : MLA
બનાવના પગલે પોલીસ અધીક્ષક સહિતનો કાફલો દોડી આવ્યો
ચૈતર વસાવાની કલેકટર સહિતના અધિકારીઓ સાથે બેઠક મળી
નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા. આંદોલન કરતા ટોળાને અટકાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, TDOએ સરકારી અધિકારીઓને BJPના સભ્ય નોંધણી ઝુંબેશ માટે ટાર્ગેટ આપ્યો છે.
નર્મદા જિલ્લાના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો દ્વારા રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લાના અનેક પ્રશ્નોને લઈને રાજૂઆત કરવા પહોંચ્યા હતા. વધુ સમર્થકોને જોઈને પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિ કચેરી અંદર ના ઘૂસી જાય તે માટે કચેરીના બહારના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.
પરંતુ રજૂઆત કરવા આવેલા સમર્થકો કોઈપણ રીતે અંદર આવી ગયા હતા, અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે ધારાસભ્ય સાથે પોલીસની જીભાજોડી થઈ હતી. આક્ષેપો સાથે રોષ ઠાલવતા ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા પોલીસ અધીક્ષક પ્રશાંત સુંબેએ આવી શાંત પાડી જિલ્લા કલેકટર અને અધિકારીઓ સાથે બેઠક કરાવી હતી.
જોકે, આ દરમ્યાન ચૈતર વસાવાએ પડતર પ્રશ્નો રજૂ કરતા જિલ્લા કલેકટર દ્વારા તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. આ સાથે જ ચૈતર વસાવાએ આક્ષેપ સાથે વધુમાં જણાવ્યું હતું કે, ગત તા. 9થી વહીવટી તંત્ર દ્વારા ભાજપ સદસ્યતા ઝુંબેશ ચલાવી રહ્યું છે. અમે 17 જેટલા લોકોને ઝડપી પડ્યા છે, અને આ કરતા અમે એ લોકોને રોક્યા છે. દેડીયાપાડાના TDO દ્વારા લોકોને આઇકાર્ડ આપવામાં આવ્યા છે, અને OTP લઈ નોંધણી કરવામાં આવી રહી છે, જેનો વિરોધ નોંધાવ્યો હોવાનું પણ ચૈતર વસાવાએ જણાવ્યુ હતું.