ખેડૂત આક્રોશ યાત્રાનો ગીર સોમનાથથી પ્રારંભ
કમોસમી વરસાદના કહેરથી પાક થયો નિષ્ફળ
ખેડૂતોની પીડાને વાચા આપવા કોંગ્રેસ મેદાને
ખેડૂતોની વેદનાઓ સાંભળશે કોંગ્રેસના નેતાઓ
"કુદરત રૂઠી... સરકાર જૂઠી..." : અમિત ચાવડા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-સોમનાથથી કોંગ્રેસ દ્વારા “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથના વેરાવળ-સોમનાથથી “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાક બગડ્યો હોવા છતાં ધિરાણની ચિંતા અને વળતરનો અભાવ જેવી પરિસ્થિતિમાં કોંગ્રેસ હવે ખેડૂતલક્ષી રાજનીતિના મેદાનમાં ઉતરી છે. આ યાત્રાનું નેતૃત્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કરી રહ્યા છે.
યાત્રાના પ્રારંભિક કાર્યક્રમમાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રા ગીર સોમનાથથી શરૂ થઈને સૌરાષ્ટ્રના કુલ 11 મુખ્ય જિલ્લા જેમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદરનો પ્રવાસ કરશે અને અંતે દ્વારકામાં “ખેડૂત આક્રોશ યાત્રા”નું સમાપન કરવામાં આવશે.
જનસભામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ ભારે આક્રોશ સાથે નારા લગાવ્યા હતા. કમોસમી વરસાદ અને સરકાર તરફથી અપેક્ષિત સહાય ન મળવાના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ "કુદરત રૂઠી... સરકાર જૂઠી...", "ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ... નહીં તો ભાજપ સાફ..."ના બુલંદ નારા લગાવ્યા હતા. આ નારા દ્વારા કોંગ્રેસે કુદરતી આફતની સાથે સાથે સરકારની નીતિઓ પર પ્રહાર કર્યો હતો અને ખેડૂતોનું દેવું માફ કરવાની મુખ્ય માગણીને આક્રમક રીતે રજૂ કરી હતી.