નદીના કેચમેન્ટ વિસ્તારમાં પૂર્ણા નદીની સપાટીમાં વધારો
2 કલાકમાં નદીની સપાટી 10થી વધી 16.50 ફૂટ પહોંચી
પૂર્ણા નદી હાલ ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ જ દૂર રહી
નદી કાંઠા સહિત નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું
પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે લોકોને સાવચેત કરાયા
નવસારી શહેર તથા જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે, ત્યારે નદી કાંઠા સહિત નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં ફરી એકવાર ધરખમ વધારો નોંધાયો છે. પૂર્ણા નદીની સપાટી 2 કલાકમાં 10 ફૂટથી વધારે વધી ગઈ છે. જેના કારણે ગુરુકુળ-સુપાને જોડતો લો-લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે જ 20થી વધુ ગામોના લોકો પ્રભાવિત થયા છે. સીઝનમાં આ બ્રિજ 6ઠ્ઠી વાર પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, નદીની સપાટી 16 ફૂટ પર સ્થિર જોવા મળતા તંત્રએ રાહત અનુભવી છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.