-
દાહોદમાં 35 વર્ષીય પરિણીત મહિલા પર અત્યાચાર ગુજારાયો
-
પ્રેમ સંબંધના આરોપમાં લોકોના ટોળાએ પરિણીતાને માર માર્યો
-
પરિણીતાને અર્ધનગ્ન કરી, ગામમાં ફેરવી, વીડિયો વાયરલ કર્યો
-
વાયરલ વિડિયોના આધારે પોલીસની લોકટોળાં વિરુદ્ધ કાર્યવાહી
-
ગુજરાતમાં માતા-બહેન-દીકરીઓ સલામત નથી : ચૈતર વસાવા
દાહોદ જિલ્લાના એક ગામમાં 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મુકી લોકટોળાએ મહિલાને અર્ધનગ્ન કરી, માર મારીને મોટરસાઈકલ પર ફેરવી હતી.
મળતી માહિતી અનુસાર, ગત તા. 28મી જાન્યુઆરીના રોજ દાહોદ જિલ્લાના એક ગામમાં યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મુકી મહિલાને માર મારવામાં આવ્યો હતો. પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. આ સમયે 15 લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આ ટોળાએ મહિલાને માર મારી, અર્ધનગ્ન કરી મોટરસાઈકલના કેરિયર પર સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી. એટલું જ નહીં, લોકટોળાએ આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો હતો. જોકે, વિડિયો વાયરલ થતાં જ પોલીસને જાણ થઈ હતી, અને તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. પીડિત મહિલાએ 15 લોકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ, પોલીસે તમામ આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે.
તો બીજી તરફ, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ એક અત્યંત ગંભીર મામલો હોવાનું જણાવ્યુ હતું. દાહોદના સંજેલી તાલુકામાં એક મહિલાને 15 જેટલા ઈસમોએ ઘરમાંથી કાઢીને તેને સાંકળ વડે ગાડી પાછળ અર્ધનગ્ન હાલતમાં બાંધીને ગામમાં સરઘસ કાઢ્યું હતું, ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાળે ગઈ છે. સરકાર મહિલા સલામતીની વાતો કરે છે. પરંતુ રોજેરોજ ગુજરાતમાં માતા, બહેન, દીકરીઓ સલામત નહીં હોવાનો ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે. આ સાથે જ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય તે તમામ જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.