દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામમાં ખૂંખાર દીપડાએ 2 લોકો પર હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. આ ઘટનામાં સારવાર મળે તે પહેલા જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
રાજ્યમાં દીપડાના હુમલાના કારણે ફરી એકવાર મોતના સમાચાર પ્રાપ્ત થયા છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામમાં દીપડાએ 2 લોકો ઉપર અચાનક હુમલો કર્યો હતો, જ્યાં રાત્રિના સમયે ઘરની બહાર પરિવારો મીઠી નીંદર માણી રહ્યા હતા. તે દરમ્યાન ખૂંખાર દીપડાએ ભગત ફળિયામાં 40 વર્ષીય પુરૂષ, જ્યારે રામપુરિયા ફળિયામાં 60 વર્ષીય વૃદ્ધા પર હુમલો કર્યો હતો. બનાવના પગલે લોકોની બૂમાબૂમ થતાં દીપડો ત્યાથી નાસી છૂટ્યો હતો. તો બીજી તરફ, ઇજાગ્રસ્તોને વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા 40 વર્ષીય પુરુષનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વારંવાર થતાં દીપડાના હુમલાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. તો બીજી તરફ, વન વિભાગ દ્વારા ખૂંખાર દીપડાને વહેલી તકે પાંજરે પુરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.