મોંઘવારીને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ત્યારે દાહોદ કોંગ્રેસની મહિલાઓ રોડ પર ઉતરી મોંઘવારી મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી મોંઘવાળીએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે ત્યારે આજરોજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ મહિલા મોરચા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સતત વધતા જતા ખાવા-પીવા તેમજ ઘર-ઘરેલુ વસ્તુઓનો ભાવ વધારાને લઈ કૉંગ્રેસ મહિલા મોરચાની મહિલાઓ અને કારકર્તાઓ મોટી સઁખ્યામાં ઉપસ્થિત રહી દાહોદના બાબા સાહેબ આંબેડકર ચોક પાસે તાલુકા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો. ત્યાર બાદ યાદગાર ચોક, નગરપાલિકા થઈ દાહોદ પ્રાંત કચેરી સુધી પદયાત્રા યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ખાદ્ય સામગ્રીના ભાવો ઓછા કરવા રજુઆત કરાય હતી અને જો સરકાર આ બાબતે ધ્યાન નહીં આપે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.