/connect-gujarat/media/post_banners/bb3de5d15721f2e463f76679c7131e1e0f8248a162f06ffdd30b56c12989b39a.jpg)
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના ભુલવણ ફળીયામાં સુખ-શાંતિ માટે જાતરની વિધિ કરવામાં આવી હતી, ત્યારે વિધિના અંતિમ દિવસે ભોજન આરોગ્યાં બાદ 4 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 12 જેટલા લોકોની હાલત ગંભીર જણાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફૂડ પોઇઝનિંગની અસરના પગલે બનાવ બન્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, દેવગઢબારીયા તાલુકાના બૈણા ગામના ભુલવણ ફળીયામાં છેલ્લા 3 દિવસથી સમગ્ર ગામની સામાજિક જાતરની વિધિ કરવામાં આવી હતી, ત્યારે વિધિના અંતિમ દિવસે ભોજન આરોગ્યાં બાદ ગામના માણસો પોતાના ઘરે જતા રહ્યા હતા. પરંતુ સાંજના સમયે ઓચિંતા કોઈકને મોઢામાંથી ફીણ નીકળવાનું શરૂ થયું અને કોઈકને ચક્કર આવવું સાથે માથું દુખાવાની અસર વર્તાય હતી. ત્યારબાદ 108 મારફતે તમામને સારવાર અર્થે દેવગઢબારીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આવ્યા હતા. જ્યા સારવાર મળે તે પહેલા કનુ માવી, દલસિંહ માવી, બાબુ માવી અને સના માવીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 12 જેટલાં વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા જ મોડી રાત્રે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડા હોસ્પિટલ ખાતે અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે હાલ તો આ બનાવ ફૂડ પોઇઝનિંગની અસરના પગલે બન્યો હોવાનું દેવગઢબારીયા પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.