Connect Gujarat
ગુજરાત

દાહોદ : ચા નહીં બનાવી આપતાં પૌત્રએ કરી દાદાની હત્યા, પિતાએ પોતાના પુત્ર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ...

ચા નહીં બનાવી આપતાં ઉશ્કેરાયેલા પૌત્રએ ભારે ધમાલ મચાવી હતી. ઉગ્ર બોલાચાલી બાદ દાદા પાડોશીના ઘરમાં ઘૂસી જતાં પૌત્રએ માથામાં સળિયો ઝીંકી દઈ દાદાને મોતને ઘાટ ઉતાર્યા

X

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે ચા નહીં બનાવી આપતાં ઉશ્કેરાયેલા પૌત્રએ ભારે ધમાલ મચાવી હતી. ઉગ્ર બોલાચાલી બાદ દાદા પાડોશીના ઘરમાં ઘૂસી જતાં પૌત્રએ માથામાં સળિયો ઝીંકી દઈ દાદાને મોતને ઘાટ ઉતાર્યા હતા.

મળતી માહિતી અનુસાર, દાહોદના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામના કટારા ફળિયામાં રહેતાં 51 વર્ષિય ગવજી કટારા સાંજના સમયે ઘરે હતા. તે વખતે કાળાભાઇ નામક તેમનો પૌત્ર ઘરે આવ્યો હતો. તેણે ચા બનાવી આપવા દાદા ગવજીભાઇને ફરમાન કર્યુ હતું, ત્યારે દાદાએ સાંજનો સમય થઇ ગયો હોવાથી ચા પીવાની ના પાડી હતી. જેથી કાળાભાઇ આવેશમાં આવીને ગમે તેમ બોલવા સાથે મારામારી ઉપર ઉતરી આવ્યો હતો, ત્યારે દાદા ગવજીભાઇ ભાગીને પાડોશી રમેશના ઘરમાં ભરાઇ ગયા હતાં, ત્યારે ત્યાં ધસી ગયેલા પૌત્ર કાળાભાઈએ લોખંડનો સળિયો ગવજીભાઇના માથામાં ઝીંકી દેતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. દવાખાને ખસેડાયેલા ગવજીભાઇનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પિતા ગવજીભાઇની હત્યા થતાં તેમના પુત્ર રામાભાઇએ પોતાના પૌત્ર કાળા સામે ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઇ ગયેલા કાળાભાઇની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story