મધ્યપ્રદેશથી મોરબી તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી રહેલી મહિલા સાથે ચાલુ બસે બસના ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી, ત્યારે મોરબી પોલીસે બન્ને આરોપીઓને ઝડપી દાહોદ પોલીસને હવાલે કર્યા હતા.
મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરીવાર સાથે નીકળી હતી, જ્યાં રસ્તામાં રાત્રિના સમયે બસ દાહોદ જિલ્લાના ગરબાડા બ્રિજ નજીકથી પસાર થઈ રહી હતી. તે સમયે મહિલા એકલી નજરે પડતા બસના ચાલક ગણેશ ડામોર તેમજ કંડક્ટર આશિષ અંશિલની દાનત બગડી હતી. આ સમયે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો ઊંઘી જતા રાત્રિના અંધારામાં નર પીસાચી નરાધમોએ મહિલાને જાનથી મારી નાખવાની ધાકધમકી આપી બસના કેબીનમાં વારા ફરતી દુષ્કર્મ આચરતા મહિલા બન્નેની હેવાનિયતનો શિકાર બની હતી. ત્યારબાદ બીજા દિવસે બસ મોરબી ખાતે પહોંચતા દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા બસમાંથી ઉતરી ગઈ હતી. જે બાદ પીડિતાએ 181ની મદદ લીધી હતી, અને બસમાં મુસાફરી સમયે પોતાની સાથે બનેલી ઘટના અંગે જાણ કરી હતી. તો બીજી તરફ, મહિલા સાથે દુષ્કર્મ મામલે મોરબી પોલીસ પણ સક્રિય બની હતી, અને ચાલુ બસમાં હેવાનિયત આચરનાર ડ્રાઈવર-કંડક્ટરની ઓળખ કરી બન્નેની ધરપકડ કરી મોરબી પોલીસ દાહોદ ખાતે આવી હતી, જ્યાં દાહોદ એ’ ડીવીઝન પોલીસ મથકમાં બસના ડ્રાઈવર ગણેશ ડામોર અને કંડકટર આશિષ અંશિલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે જે બસમાં દુષ્કર્મની ઘટના બની હતી, તે બસને જપ્ત કરી કરી વધુ તપાસ હાથ ધરી છે.