દાહોદ : સરકાર પાસે નથી રૂપિયા, બે વર્ષથી શિક્ષકો ભરે છે ભાડુ, જુઓ શું છે ઘટના

દાહોદની ઝાલોદ રોડ શાળા બંધ થવાના એંધાણ જુની ઇમારત જર્જરીત હોવાથી ભાડાના મકાનમાં ચાલે છે શાળા

New Update
દાહોદ : સરકાર પાસે નથી રૂપિયા, બે વર્ષથી શિક્ષકો ભરે છે ભાડુ, જુઓ શું છે ઘટના

દાહોદમાં અમૃતવાણી સોસાયટીમાં છેલ્લા 86 વર્ષથી ચાલતી ઝાલોદ રોડ પ્રાથમિક શાળાની શરૂઆત 1937માં કરવામાં આવી હતી. સમયની સાથે સાથે શાળાની ઇમારતના કાંગરા ખરવા લાગ્યાં હતાં. આ શાળામાં અભ્યાસ કરવા આવતાં વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ગરીબ છે. શાળાની ઇમારત જુની થઇ જતાં જોખમી બની હતી. છતના પોપડા ખરતાં હોવાના કારણે શિક્ષકો અને છાત્રોના જીવ સામે જોખમ ઉભું થયું હતું. શાળા સંચાલકોએ નવી ઇમારત બનાવી આપવા સરકારમાં રજુઆત કરી હતી. આ રજુઆતના પગલે સરકારે નવી ઇમારત બનાવવાની મંજુરી આપી હતી.

શાળાના જુના મકાનને ખાલી કરાવી અન્ય ભાડાના મકાનમાં સ્થળાંતરિત કરાય હતી. બે વર્ષ અગાઉ આ શાળાને નવજીવન મીલ ખાતે આવેલી આશા કિરણ સ્કૂલમાં 10,000 રૂપિયાના ભાડા પેટે શરૂ કરવામાં આવી હતી. જુની શાળાના બદલે નવી શાળા બનાવવાનો પ્રોજેકટ કોઇ કારણોસર ઘોંચમાં પડયો હતો. બીજી તરફ સરકારમાંથી મકાનનું ભાડુ નહિ આવતું હોવાથી બે વર્ષથી શિક્ષકો ફાળો ઉઘરાવી ભાડુ આપી રહયાં છે પણ હવે મકાન માલિકે પણ મકાન ખાલી કરી દેવા જણાવતાં શાળા બંધ થાય તેવા સંજોગો ઉભા થયાં છે. આ બાબતની જાણ થતાં વાલીઓ પણ શાળા બંધ ન થાય તે માટે રજુઆત કરવા પહોંચ્યાં હતાં

Latest Stories