Connect Gujarat
ગુજરાત

ડાકોર : ગોમતી નૌકા વિહારના સંચાલકો નિયમોને ઘોળીને પી જતાં પાલિકાએ નોટિસ ફટકારી..!

ડાકોરમાં નૌકા વિહાર કરાવતા સંચાલકો પૈસા કમાવાની લાલચમાં સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર કરાવતા પાલિકાએ લાલ આંખ કરી નોટિસ પાઠવી છે.

X

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૌકા વિહાર કરાવતા સંચાલકો પૈસા કમાવાની લાલચમાં સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર કરાવતા પાલિકાએ લાલ આંખ કરી નોટિસ પાઠવી છે.

ખેડા જિલ્લાના ડાકોરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડાકોર પાલિકા દ્વારા ગોમતી નૌકા વિહાર કરવા માટે ટેન્ડર બહાર પાડી ચોક્કસ શરતોને આધીન કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે હાલ ડાકોરમાં ગોમતી નૌકા વિહારના નામે ચલાવવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટ દરમિયાન આપવામાં આવેલી શરતોનો ભંગ કરવા બદલ અવાર નવાર છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દો ચર્ચાઓમાં જોવા મળી રહ્યો છે. જેમાં મોરબીમાં થયેલી ઘટના બાદ સરકાર દ્વારા યાત્રાધામોમાં પણ નિયમોનું પાલન કરવામાં આવે તેવી કડક સૂચનાઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી.

પરંતુ સરકારની સૂચનાને ડાકોર નૌકા વિહારના સંચાલક દ્વારા એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાખવામાં આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અગાઉ પણ ગોમતી નૌકા વિહારના સંચાલક દ્વારા સૂર્યાસ્ત થઈ ગયા બાદ અંધારામાં પણ બોટિંગ કરવાના વિડીયો વાયરલ થયા હતા. ત્યારબાદ સમગ્ર બનાવ સમાચાર પત્રોમાં પ્રકાશિત થતા કોન્ટ્રાક્ટમાં આપવામાં આવેલી શરતોનો ભંગ થતાં પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો, જે ખુલાસો કોઈ કારણસર ગ્રાહ્ય રાખીને ગોમતી વિહારના સંચલકને ફરી એક તક પાલિકા દ્વારા આપવામાં આવી હતી.

પરંતુ ગોમતી નૌકા વિહારના સંચાલક દ્વારા પોતાની મનસ્વી પ્રવૃત્તિ યથાવત રાખતા સૂર્યાસ્ત બાદ પણ માત્ર પૈસા કમાવાના હેતુથી નૌકા વિહાર કરાવતા લોકોના જીવ જોખમમાં મુકવાની વૃત્તિ સંચાલક દ્વારા યથાવત જોવા મળી હતી. જેને લઇને ડાકોરના જાગૃત નાગરિક દ્વારા સૂર્યાસ્ત બાદ પણ બોટિંગ કરાવવા બાબત કાર્યવાહી કરવા પાલિકા, પ્રાંત અધિકારી તથા જિલ્લા કલેકટરને અરજી આપવામાં આવી હતી. જે અરજીના જવાબના ભાગરૂપે ડાકોર પાલિકાએ ફરી વખત નૌકા વિહારના સંચાલક પાસે ખુલાસો માગ્યો છે, શું આ વખતે પણ લૂલો જવાબ લઈ અવારનવાર નિયમોનો ભંગ કરનાર ગોમતી નૌકા વિહારના સંચાલકનો કોન્ટ્રાક્ટ યથાવત રાખવામાં આવશે કે, પછી તેને ડાકોર પાલિકા દ્વારા કાર્યવાહીના ભાગરૂપે સદંતર માટે બ્લેક લિસ્ટ કરી કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવશે તે હવે જોવું રહ્યું.

Next Story