ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નાની દબાસ ગામના ખેડૂત છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે. તેઓ સ્ટ્રોબેરીની ખેતીમાં પ્લાસ્ટિક મલ્ચીગનો ઉપયોગ કરતા હતા, પંરતુ સરકારના પ્રાકૃતિક ખેતી અંગેનું પ્રોત્સાહન મળતા પ્રથમવાર પ્રાકૃતિક પધ્ધતીનું આચ્છાદન અપનાવી તેઓએ ખેતીની આવક બમણી કરી છે.
ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા નાની દબાસ ગામના ખેડૂત બુધ્યા પવારે સ્ટ્રોબેરી ઉત્પાદનમાં ઝંપલાવ્યુ અને આજે ખૂબ મોટી સફળતા સાથે તેઓ સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય કરતા આજે ડાંગ જિલ્લાની સ્ટ્રોબેરી દરેક જગ્યાઓ વખાણાય છે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં વર્ષ દરમ્યાન 12 હજાર 251 હેક્ટરમાં બાગાયતી ખેતી કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં રસાયણ મુક્ત ખેતીની યોજના અંતર્ગત હેન્ડ હોલ્ડીંગની કામ કરતી સંસ્થાઓ, પ્રાકૃતિક ખેતીની ગામેગામ તાલિમો આપી રહી છે.
ડાંગ જિલ્લામાં સમયાતંરે ખેડૂત તાલીમ યોજીને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી ડાંગ જિલ્લાના મોટા ભાગના ખેડૂતો રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી ચુક્યા છે. આમ, ડાંગ જિલ્લામાં ખેડૂતોને રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતી ખર્ચના 75 ટકા સબસિડી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરીત કરાય રહ્યા છે.