ડાંગ : આદિવાસી સંસ્કૃતિને જાણવા-માણવાનો ઉત્તમ અવસર એટલે “ડાંગ દરબાર”, આવતીકાલથી થશે પ્રારંભ...

ડાંગ દરબારમાં ડાંગના રાજાઓને પ્રશાસન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. વર્ષોથી ઉજવાતા આ ઉત્સવનું સ્વરુપ ધીરે ધીરે બદલાયું છે.

New Update
ડાંગ : આદિવાસી સંસ્કૃતિને જાણવા-માણવાનો ઉત્તમ અવસર એટલે “ડાંગ દરબાર”, આવતીકાલથી થશે પ્રારંભ...

ગુજરાતના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર થયેલા ડાંગમાં આવતીકાલથી ડાંગ દરબારનો આરંભ થશે. તા. ૨ માર્ચથી ૬ માર્ચ સુધી ચાલનારા આ 'ડાંગ દરબાર' ને માણવો એક લહાવો છે. ડાંગમાં ઉજવાતા ઉત્સવો પૈકી સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ એટલે હોળીનો શીમગા ઉત્સવ. આ દિવસોમાં જ અહીં ડાંગ દરબારનું આયોજન થાય છે. ડાંગ દરબારના પ્રથમ દિવસે આહવાના મુખ્ય માર્ગો પર રાજવીઓની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ અવસરે ડાંગના રાજાઓને પ્રશાસન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. વર્ષોથી ઉજવાતા આ ઉત્સવનું સ્વરુપ ધીરે ધીરે બદલાયું છે.

આ દરબારના મૂળ બ્રિટિશ કાળ સુધી ફેલાયેલા છે. જાણકારોના મતે અંગ્રેજોએ જંગલોને લીઝ પર લેવા માટે ડાંગના રાજાઓને સાલિયાણું આપવાનો કરાર કર્યો હતો, ત્યારથી દર વર્ષે સરકાર દ્વારા ડાંગના રાજાઓને સાલિયાણું ચૂકવવામાં આવે છે. આઝાદી બાદ પણ વિવિધ સરકાર દ્વારા આ પરંપરાને જાળવવામાં આવી છે. આજે ડાંગ દરબારની લોકપ્રિયતા વધી છે અને પરિણામે પ્રશાસન પણ આ પડકારને પહોંચી વળવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરે છે, ત્યારે ગુજરાતના સૌથી રળીયામણા જિલ્લા પૈકીના એક એવા ડાંગની સંસ્કૃતિને આપણે માણવી હોય તો ડાંગ દરબાર તે માટેનો ઉત્તમ અવસર છે.

Latest Stories