Connect Gujarat
ગુજરાત

ડાંગ : કમોસમી વરસાદના કારણે ખેતીને મોટું નુકશાન, સરકારી સહાયની ખેડૂતોને આશ...

કમોસમી વરસાદે અહીના ખેડૂતોને રાતા પાણીએ રડતાં કરી દીધા છે. એક તરફ ખેતરમાં કાપીને મુકેલ ડાંગરનો પાક પલળી ગયો છે

X

ડાંગ જિલ્લામાં સતત 4 દિવસ વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ક્યાંક નવા પાક માટે તૈયાર કરેલ ધરુંને નુકશાન છે, તો ક્યાંક તૈયાર કાપીને મુકેલા પાકમાં નુકશાન જોવા મળ્યું છે.

ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સતત 4 દિવસ સુધી કમોસમી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ડાંગ જિલ્લાના આહવા, સાપુતારા, સુબિર, ચીંચલી, પીપલદહાડ, વઘઇ, ભેંસકાતરી, સાકરપાતળ, ગલકુંડ, બોરખલ અને મહાલ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં અચાનક પડેલા કમોસમી વરસાદે અહીના ખેડૂતોને રાતા પાણીએ રડતાં કરી દીધા છે. એક તરફ ખેતરમાં કાપીને મુકેલ ડાંગરનો પાક પલળી ગયો છે, તો બીજી તરફ ખેતરમાં ખુલ્લા આકાશ નીચે પ્લાસ્ટિકથી ઢાંકીને મુકેલ ડાંગર પવન સાથેના વરસાદમાં પલડી જતા ખેડૂતોને મોટું નુકશાન પહોચ્યું છે.

ડાંગ જિલ્લામાં મોટા ભાગે લોકો આખું વર્ષ પોતાના ખેતરમાં ઉગતા ડાંગરનો જ ઉપયોગ કરે છે, ત્યારે આખા વર્ષની મહેનત કમોસમી વરસાદના કારણે બરબાદ થઈ જતા હવે શું ખાઈસુ તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. જોગબારી નજીક રહેતા ગાયકવાડ પરીવારનો ડાંગરનો પાક પલડી જતા તેને છૂટું પાડી ખાવા લાયક ડાંગરની બાજુએ રાખી નુકશાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે, મોટાભાગનું ડાંગર ખાવા લાયક રહ્યું નથી. કમોસમી વરસાદના કારણે નદી-નાળા શાંત ગતિમાં વહેતા જોવા મળી રહ્યા છે. જેના કારણે પ્રવાસીઓમાં આનંદ છવાઇ ગયો છે, જ્યારે પ્રાકૃતિક ખેતી કરનાર ગરીબ ખેડૂતોના આખા વર્ષની મહેનત પાણીમાં જતા તેઓ હવે સરકાર તરફથી મળતી સહાય ઉપર આશ લગાવીને બેઠા છે.

Next Story