દેવભૂમિ દ્વારકા : પાણી ભરાયેલા ખેતરોમાં ખેડૂતોએ "નૌકા હરીફાઈ" યોજી નોંધાવ્યો અનોખો વિરોધ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘડેચી ગામમાં વરસાદના વિરામ બાદ પણ 150થી વધુ ખેડૂતોના ખેતરમાં હાલ પાણી ભરાયેલા જોવા મળે છે

New Update
દેવભૂમિ દ્વારકા : પાણી ભરાયેલા ખેતરોમાં ખેડૂતોએ "નૌકા હરીફાઈ" યોજી નોંધાવ્યો અનોખો વિરોધ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘડેચી ગામમાં વરસાદના વિરામ બાદ પણ 150થી વધુ ખેડૂતોના ખેતરમાં હાલ પાણી ભરાયેલા જોવા મળે છે, ત્યારે અતિવૃષ્ટિ બદલ પાક નુકશાની સર્વે કરવાની માંગ સાથે પાણી ભરાયેલા ખેતરોમાં ખેડૂતોએ નૌકા હરીફાઈ યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષની સરખામણીએ આ વર્ષે 132% વરસાદ નોંધાયો છે. ઓખા મંડળ વિસ્તાર અને કલ્યાણપૂર તાલુકાના કાઠી વિસ્તાર જેવા કે, પિંડારા, મહાદેવીયા, રણજીતપુર, ગુરગઢ, ગાગા, બતળિયા, વિરપર, આસોટા નંદાણાં, રાણ, હાબરડી, ભાટિયા, બમણસા, ભટવડિયા સહિતના ગામોમાં ખેડૂતોએ ઓછામાં ઓછા બે-બે વખત વાવણી કરવા છતાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આ બાબતે લગત ગામોના સરપંચો તેમજ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા તંત્રને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. જેમાં પાક નુકશાની અંગે 15 દિવસમાં સર્વે કરવા નહિતર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

જોકે, પાક નુકશાની સામે કોઈ સર્વે કરવા ન આવતા નિંદ્રાધીન સરકારને જગાડવા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા એક અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઓખા મંડળના ઘડેચી ગામે સર વિસ્તારમાં 150થી વધુ ખેડૂતોના ખેતરમાં આજે પણ પાણી ભરાયેલા છે, ત્યાં નૌકા હરીફાઈ કરવામાં આવી હતી. આ નૌકા હરીફાઈ શા માટે એવા સવાલના જવાબમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, સરકારમાં રજૂઆતો કરી કરીને થાક્યા પણ સરકારના પેટનું પાણી પણ હલતું ન હોય, ત્યારે ખેડૂતોના ખેતરમાં નૌકા હરીફાઈ થાય, ને જો સરકાર જાગે અને ખેડૂતોને થયેલ નુકશાની બદલ થોડી ઘણી પણ સહાય મળે તો ખેડૂતો સિયાળુ પાકનું વાવેતર કરી શકે તેમ છે. જો સરકાર હજુ પણ કોઈ પગલાં નહીં લે તો આવનાર દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરવા ખેડૂતોએ જણાવ્યુ હતું.

Latest Stories