કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં બીચ ગેમ્સ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે જે એક અઠવાડિયા સુધી ચાલશે
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ, દીવમાં બિચ ગેમ્સ 2024નો પ્રારંભ થયો છે. બ્લુ સર્ટિફાઈડ બીચ ઘોઘલા, દીવ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે દિલ્હી અને લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર અને દમણ-દીવના સાંસદ લાલુ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત જાણીતા ગાયિકા ઈશાની દવે અને કિંજલ દવેના અજોડ પરફોર્મન્સથી થઈ હતી. ત્યારબાદ મહેમાનોના હસ્તે નામાંકિત ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પહોંચ્યા બાદ તમામ મહેમાનોએ રમતગમતના મેદાનનું નિરીક્ષણ કર્યું હતું અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બીચ પર ફૂટબોલ પણ રમ્યા હતા આ ક્રમમાં મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
દીવમાં આયોજિત બીચ ગેમ્સ, 2024 અંતર્ગત કુલ 8 વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં બીચ વોલીબોલ, પેંચક સિલાટ, બીચ બોક્સિંગ, બીચ સોકર અને સી-સ્વિમિંગ જેવી પરંપરાગત રમતો જેવી કે માલખંબ, બીચ કબડ્ડી અને ટગ. ઓફ વોર પણ સામેલ છે. આ ગેમ્સમાં 20 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ ભાગ લેશે. આ રમતોત્સવમાં 1200 થી વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. પુરૂષ અને મહિલાઓને સમાન તકો આપીને, ખાસ કરીને 21 વર્ષ સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓને આ રમતોમાં તેમની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવવાની તક આપવામાં આવશે. કુલ 140 ગોલ્ડ મેડલ, 140 સિલ્વર મેડલ અને 180 બ્રોન્ઝ મેડલ વિવિધ કેટેગરીમાં આ ગેમ્સના વિજેતા સહભાગીઓને એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગેમ્સનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. આ રમતોત્સવ એક અઠવાડિયા સુધી ચાલશે ગેમ્સ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં દેશના નામાંકિત કલાકારો સંગીત અને સ્થાનિક કલા સહિત તેમની કલાનું પ્રદર્શન કરશે.
આ કાર્યક્રમમાં રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે દીવ ભાગ્યે જ ક્યારેય આટલું સુંદર દેખાતું હશે અને બીચ ગેમ્સએ તેને અત્યંત સુંદર અને અકલ્પનીય બનાવ્યું છે. તેમણે કહ્યું કે તેમને ઘણા દેશોમાં રમતગમતના કાર્યક્રમોમાં જવાની તક મળે છે અને લોકોમાં ઉત્સાહ જોવા મળે છે અને દરેક જણ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવાનો પ્રયાસ કરે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ભીડ જ દર્શાવે છે કે દીવના લોકોએ બીચ ગેમ્સનું દિલથી સ્વાગત કર્યું છે, જેના માટે તેઓ દરેકને અભિનંદન આપું છું..