Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં વરસાદના વિરામ બાદ રોડ-રસ્તાના સમારકામ સહિત રોગચાળાના નિયંત્રણ માટે ડોર-ટુ-ડોર સર્વે શરૂ

વરસાદના કારણે પાણી ભરાવા સહિત રોડ-રસ્તાને નુકશાન થયેલા માર્ગોનું સમારકામ શરૂ તથા ડોર ટુ ડોર સર્વે તેમજ દવાનો છંટકાવ અને સાફ-સફાઈ શરૂ

X

રાજ્યભરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવા સહિત રોડ રસ્તાને નુકશાન થયું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદથી નુકસાન થયેલા માર્ગોના રિ-સરફેર્સિંગ માટે તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદના કારણે પેઢાવાડા રોડ ધોવાણ થયેલ જેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ઝડપી પૂર્વવત થાય તે માટે ઝડપભેર કામગીરી હાથ ધરાય છે.

રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી અનેક માર્ગોને નુકસાન થયેલ છે. માર્ગ અને મકાન વિભાગે ધોરાજી તાલુકાનાં સુપેડી-નાની વાવડી રોડનું સમારકામ હાથ ધર્યું છે. જિલ્લામાં નુકસાનવાળા માર્ગોનું સમારકામ ઝડપી બને તે માટે અલગ અલગ ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જિલ્લામાં આવેલ 14 જેટલા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છે. કચ્છ જિલ્લામાં મધ્યમ સિચાઈ યોજનાના 20 ડેમ આવેલ છે, જેમાંથી 14 ડેમ ઓવરફ્લો થયા છે, તો નાની સિંચાઈ યોજનાની 170 પૈકી 95 ડેમમાં નવા નીર આવ્યા છે. હવે કચ્છ જિલ્લામાં ખરીફ અને રવી પાકની સિંચાઈ સારી રીતે થઈ શકશે. અબડાસા તાલુકાનો કંકાવીટ, જંગડીયા, મીટ્ટી, બેરાચીયા ડેમ ઓવરફ્લો થયો છે, તો ભુજ તાલુકાનો રૂદ્રમાતા, કાયલા ડેમ પાણીથી સંપૂર્ણ ભરાઈ ગયો છે.

જુનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લેતા રોગચાળાના નિયંત્રણ માટે પ્રશાસન દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે, મચ્છર નિયંત્રણ માટે દવાનો છંટકવા તથા સાફ-સફાઈની કામગીરી વ્યાપક કામગીરી શરૂ કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લા પંચાયત અને કેશોદ સહિતની 7 નગરપાલિકામાં પણ મચ્છર ઉપદ્રવ અને રોગચાળા નિયંત્રણ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

નવસારીમાં પૂરના પાણી ઓસરતા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં અલગ અલગ ટીમ બનાવી રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ અને મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. નવસારીના બાલાપીર દરગાહ દશેરા ટેકરી વિસ્તાર અને વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં માર્ગ અને મકાન વિભાગે નુકસાનીવાળા માર્ગોનું સમારકામ હાથ ધર્યું છે. ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી સુધી તેમજ કોઝ-વે ઉપરનો માર્ગ પર ઔરંગા નદીના પૂરના પાણી ફરી વળતાં વાહન વ્ય વહાર માટે બંધ કરવામાં આવ્યોં હતો. જોકે, હવે પાણી ઓસરતાં વાહન વ્યાવહાર માટે કોઝ-વે પૂર્વવત બને તે માટે માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.

Next Story