અંબાજી-દાંતા માર્ગ પર ત્રિશૂળિયા ઘાટ પર 2 અકસ્માત
2 અલગ-અલગ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો
ટ્રેલરમાં લોખંડના સળિયા વચ્ચે ફસાઈ જતાં ચાલકનું મોત
ઘટના સ્થળે હાજર પોલીસ વાહનને પણ ટ્રેલરની અડફેટ
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. 2 અલગ-અલગ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ઘટના સ્થળે હાજર પોલીસ વાહનને પણ બ્રેક ફેલ થયેલા અન્ય ટ્રેલરએ ટક્કર મારતા પોલીસકર્મીઓ સહિતના લોકોનો આબાદ બચાવ થયો હતો.
બનાસકાંઠા જિલ્લાના અંબાજી-દાંતા માર્ગ પરની ત્રિશૂળિયા ઘાટમાં આજે સવારે એક પછી એક 2 અકસ્માત સર્જાયા હતા. જેમાં પ્રથમ ઘટનામાં લોખંડના સળિયા ભરેલું એક ટ્રેલર પલટી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેલરના ચાલકનું લોખંડના સળિયા વચ્ચે ફસાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા, જ્યારે બનાવની જાણ થતાં જ પોલીસ, 108 સહિત ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા.
અંબાજી ફાયરબ્રિગેડની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો ટ્રેલરમાં સવાર ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. જોકે, મૃતદેહ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ એક જ માલિકના અન્ય એક ટ્રેલરની બ્રેક ફેલ થતાં તેણે ઘટનાસ્થળે હાજર પોલીસના 2 વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે પોલીસકર્મીઓ અને સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ ઘટના બાદ દાંતા મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.