આજરોજ રમઝાન ઈદના પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સુરત વડોદરા અને અમરેલી સહિતના શહેરોમાં ઈદના પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી હતી
કોરોના પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં રમઝાન ઈદના પર્વ પર રાંદેર ઇદગાહમાં લોકો ભેગા થયા હતા. ઇદની નમાજ પડ્યા પછી લોકો એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ ઇદની નમાઝ અદા થઈ હતી. સવારથી જ મુસ્લિમ બિરાદરોમા ઈદના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.રાંદેર સહિત ચોક, ભાગળ, લિંબાયત જેવા વિસ્તારોમાં વિશેષ કરીને ઈદનો માહોલ જોવા મળ્યો હતો. કોરોના નિયંત્રણમાં આવતાની સાથે જ આ વખતે મુસ્લિમ બિરાદરોએ કોઈપણ પ્રતિબંધ વગર છૂટથી ઈદની ઉજવણી કરી હતી.
આ તરફ વડોદરા શહેરમાં પણ રમઝાન ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના પ્રતાપ નગર રોડ પર આવેલ ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને અલ્લાહની બંદગી ગુજારી હતી. મુસ્લિમ બિરાદરોએ એકમેકને રમઝાન ઈદના પર્વની શુભકામના પણ પાઠવી હતી. રમઝાન ઈદના પર્વને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો
તો અમરેલી જીલ્લામાં પણ ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.અમરેલી, વડીયા, સાવરકુંડલા, બાબરા, લાઠી, રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા, બગસરા, કુંકાવાવ સહિતના તાલુકા મથકે ઈદગાહ મેદાન પર મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. કોઈ અનીરછનિય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો