Connect Gujarat
ગુજરાત

આજે પણ એસટી. બસની સુવિધાથી વંચિત છે ભાવનગરનું આ ગામ, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને હાલાકી...

રાજ્ય સરકાર દ્વારા એસટી. બસની સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડવાના દાવા જાણે પોકળ સાબિત થયા હોય તેવો ઘાટ ઘડાયો છે.

X

વિકસિત ગુજરાતમાં મુસાફરો તો બસની રાહ જુએ જ છે. પરંતુ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ગામ સ્થિત એસટી. બસ સ્ટેન્ડ જાણે બસની રાહ જોતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા એસટી. બસની સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડવાના દાવા જાણે પોકળ સાબિત થયા હોય તેવો ઘાટ ઘડાયો છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ગામ ખાતે લાખો રૂપિયાના ખર્ચે એસટી. બસ સ્ટેન્ડ તો બનાવામાં આવ્યું છે. પરંતુ આ બસ સ્ટેન્ડ ખાતે છેલ્લા 3 વર્ષથી કોઈ બસ આવી નથી. જોકે, મુસાફરો બસ સ્ટેન્ડ ખાતે બસની રાહ જોતા હોય છે. પણ બીલા ગામનું આ બસ સ્ટેન્ડ જાણે બસની રાહમાં આજે પણ અડીખમ છે. તો બીજી તરફ, અભ્યાસ અર્થે અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ રઝળી પડ્યા છે.

જોકે, 3 વર્ષ પહેલાં બસની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. આ ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા બહાર જવા ખૂબ જ મુશ્કેલી પડે છે. ગામમાં બસ સ્ટેન્ડ તો છે, પરંતુ તે શોભના ગાંઠિયા સમાન બની ગયું છે. જેના કારણે ગ્રામજનોને જીવન જરૂરી કામમાં હાલાકીનો સામનો કરવો પડે છે. એક તરફ સરકાર વિકાસની ગાથા ગાય છે, અને ઠેર ઠેર સંકલ્પ યાત્રા નીકળે છે. પરંતુ ગતિશીલ ગુજરાતમાં આજે પણ બસથી વંચિત બિલા ગામ વિકાસથી પરીપૂર્ણ ક્યારે થશે તેની સૌકોઈ રાહ જોઈ બેઠા છે. જોકે, વહેલી તકે હવે બસ સેવા શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ઉચ્ચારવામાં આવી છે.

Next Story