-
રાજુલાના ધારેશ્વર ખાતે ખેડૂત સભાનું આયોજન
-
13 ગામ પગલા સમિતિ દ્વારા ખેડૂત સભા યોજાય
-
કિસાન નેતા રાજુ કરપડા ખેડૂતોની વ્હારે આવ્યા
-
વિવિધ પડતર પ્રશ્નોને લઈને યોજાય ખેડૂત સભા
-
ખેડૂતોએ પોતાને સાંકળ બાંધીને વિરોધ નોંધાવ્યો
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ખાતે 13 ગામ પગલા સમિતિ દ્વારા પડતર પ્રશ્નોને લઈને ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક ખેડૂતોએ સાંકળથી બંધાઈ અને મો પર પટ્ટી લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ખાતે 13 ગામ પગલા સમિતિની ખેડૂત સભા યોજાય હતી. જેમાં કિસાન નેતા રાજુ કરપડા ખેડૂતોની વ્હારે આવ્યા હતા. રાજુ કરપડાએ સરકાર અને તંત્રને આડે હાથ લઈ ચૂંટાયેલા નેતાઓ સામે પણ પ્રહારો કર્યા હતા, જ્યારે જગતના તાતને ખેતીના પાણી માટે વલખાં મારવા પડે છે. તેવામાં તંત્ર દ્વારા ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયાસને ઉજાગર કરવા કેટલાક ખેડૂતો સાંકળથી બંધાઈ અને મો પર પટ્ટી લગાવી ખેડૂત સભામાં પહોંચ્યા હતા.
રાજુ કરપડાએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, ખેડૂતનો દીકરો 75 વર્ષે પણ એક પગે કામ કરે તો અહીંયા ચૂંટાયેલા એક-બે નેતાઓ અનાજ દળવાની ઘંટીમાં પણ કમિશન માંગે છે. એટલું જ નહીં, દુકાનોમાંથી, રોડમાંથી, પાઇપ લાઇનોમાંથી પેટ નથી ભરાતા તો નાની-નાની દુકાનો પાસેથી મહિને 2 હજાર ઉઘરાવે છે. આઝાદીના 77 વર્ષ પછી પણ ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોને પાણી માટે ભીખ માંગવી પડે છે. સરકારે ડૂબી મરવું જોઈએ તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું.
આ તરફ, સિંચાઈના પાણી માટે લડતા ખેડૂતોની પગલા સમિતિ સાથે પરિણામ સુધી રહેવાની ખાત્રી આપતા રાજુ કરપડાએ ધાતરવડી ડેમ-2માંથી પાલિકાને પાણી આપોને ધાતરવડી-1માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપો તેમ જણાવ્યું હતું. રાજુ કરપડા 13 ગામમાં ભાજપનો પ્રચાર કરશે તેવો હુંકાર કર્યો હતો, અને સરકાર પગલા નહી ભારે તો 5 દિવસ પછી 13 ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગશે, તેવું રાજૂ કરપડાએ જણાવ્યું હતું. ખેડૂત સભા પૂર્ણ કરી ખેડૂતો સાથે રાજુ કરપડા કલેક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી.