/connect-gujarat/media/post_banners/eea0f229e6dfaeb6c2fa2b3f272ad704e5b59746c21201b8d22d7407b8956624.jpg)
હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યને કમોસમી વરસાદે ઘમરોળ્યું હતું, અને ધુળની ડમરીઓ સાથેની આંધી અને મીની વાવાઝોડા જેવી સ્થિતિ રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી. તેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોચ્યું હતું. હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે.
જોકે, મોટાભાગના જિલ્લાઓનું વાતાવરણ ગરમ રહેશે. મહત્વનું છે કે, ગઈ કાલ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, સોમવારે સાંજે આવેલા આંધી અને કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો આજે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર અને બોટાદ સિવાયના તમામ જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું. મહત્વનું છે કે, છેલ્લા 2 દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો, ત્યારે આજથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો પણ વધી શકે છે.