-
કુકાવાવના અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂત
-
દેશી ખેતીપાકો વિદેશની ધરતીએ પહોચાડતા સ્થાનિક ખેડૂત
-
મરચાની ખેતી થકી પ્રગતિશીલ ખેડૂતે કરી બતાવી સફળ ખેતી
-
25 વીઘા જમીનમાં વિવિધ 3 પ્રકારના મરચાનું કરાયું વાવેતર
-
અંદાજે રૂ. 40 લાખ જેવી નફાકારક ખેતી થવાની ખેડૂતને આશા
અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂતના ખેતીપાકો વિદેશની ધરતી સુધી પહોંચે તેવી અદ્ભુત વ્યવસ્થા સાથે મરચાની ખેતી થકી ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી બતાવી છે.
ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીમાં હરણફાળ ભરી છે. અમરેલીના ખેતીપાકો છેક વિદેશની ધરતી પર પહોંચે તેવું ભગીરથ કાર્ય જગતના તાત કરી રહ્યા છે, ત્યારે કુકાવાવ તાલુકાના અમરાપુર ધાનાણી ગામના યુવા ખેડૂત ધર્મેશ માથુકિયા પોતાના ખેતરમાં પકાવેલ મરચું ભારત બહાર અનેક દેશોમાં વેચાણ કરે છે. ખેડૂતે 25 વીઘા જમીનમાં મરચાનું વાવેતર કર્યું છે. અલગ અલગ 3 પ્રકારના મરચાનું વાવેતર કર્યું છે.
જાહેર ખુલ્લા બજારમાં સુકા મરચાનો અંદાજિત ભાવ 3200થી 4000 રૂપિયા સુધી મળી રહે છે, જ્યારે પાકનું મૂલ્ય વર્ધન કરવામાં આવે તો આવક ડબલ થાય છે, અને ખર્ચમાં પણ ઘટાડો થાય છે. હાલ તેઓ મરચાનો પાવડર કરીને તેનું વેચાણ પણ કરી રહ્યા છે. એક વીઘે 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે 30થી 40 મણ મરચાનું ઉત્પાદન મળી રહે છે.
જેમાં કાશ્મીરી મરચાનો ભાવ રૂપિયા 300, જ્યારે મિક્સ રેશમ પટાનો ભાવ 450 રૂપિયા લેખે વેચાણ કરવામાં આવે છે. ખેડૂતે જણાવ્યું હતું કે, અંદાજિત 40 લાખ જેવી નફાકારક ખેતી થવાની આશા છે, જ્યારે મરચાનું વેચાણ અમેરિકા, લંડન સહિતના દેશોમાં પણ કરવામાં આવે છે, તેમજ અમરેલી સૌરાષ્ટ્ર, અમદાવાદ અને વડોદરા, સુરત વિસ્તારમાં પણ આ મરચાની માંગ ખૂબ જ છે.
લોકો મોબાઇલ ફોન અને ટેલીફોનીક જાણ કરીને મરચાનો ઓર્ડર લખાવે છે. જે મુજબ મરચાનું વેચાણ કરતા ખેડૂતના મરચા વિદેશની ધરતી પર પહોંચે છે, જે સફળતાની યશકલગી સમાન છે.