Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : પેપર લીક મુદ્દે AAPના કાર્યકરોએ કર્યો "કમલમ"નો ઘેરાવો, પોલીસે વરસાવી લાઠીઓ

ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય કમલમને ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો

X

ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય કમલમને ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં અનેક કાર્યકરોને ઇજા પહોંચી છે. જો કે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ટોળામાં સામેલ થયેલાં ભાજપના કાર્યકરોએ તેમની પર હુમલો કર્યો છે.

હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાનો મુદ્દે રાજકારણ ગરમાય રહયું છે. આજરોજ આમ આદમી પાર્ટીની યુવા પાંખ તરફથી ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને આવેદનપત્ર આપવાની જાહેરાત કરાય હતી. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી, પ્રવિણ રામ, મનોજ સોરઠીયા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કમલમ ખાતે પહોંચ્યાં હતાં. પેપર લીક થવાના મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નારેબાજી કરી કમલમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે કાર્યકરોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ કાર્યકરોને ઇજા પહોંચી હતી.

જો કે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના ગુંડાઓએ તેમની પર હુમલો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરતીમાં સંડોવાયેલા તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવા આમ આદમી પાર્ટીની માંગ કરી રહી છે અને તેઓ આશીત વોરાનું રાજીનામુ માંગી રહયાં છે. ગોપાલ ઇટાલીયાને સોળ પડી ગયા હોવાની તસવીરો સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આપના નેતા ઇસુદાન ગઢવીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યાં છે.

Next Story