ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, ત્યારે બીજા તબક્કામાં ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે અલ્પેશ ઠાકોરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જંગી રેલી યોજી ઉમેદવારી પત્ર ભર્યું હતું.
રાજ્યના ચર્ચિત યુવા ચહેરામાંથી એક ચહેરો એટલે અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોરને ભાજપે ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપી છે, ત્યારે આજે તેઓ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. નામાંકન ભરવા જતાં પહેલાં અલ્પેશ ઠાકોરે રાયસણ ખાતે પંચેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા હતા. આ સાથે જ અલ્પેશ ઠાકોરે જાહેર સભા પણ યોજી હતી. અલ્પેશ ઠાકોરની જાહેર સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, અલ્પેશ ઠાકોરને ખૂબ મોટી લીડથી આપણે સૌ સાથે મળીને વિજય બનાવીએ.
તો બીજી તરફ, અલ્પેશ ઠાકોરે નામાંકન ભર્યા બાદ જણાવ્યુ હતું કે, જ્યાં-જ્યાં તમારા સગા-સંબંધી રહે છે, તેમને કહો કે, ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપી રેકોર્ડ બ્રેક જીત અપાવે. અલ્પેશ ઠાકોરે કાર્યકર્તાઓને વિનંતી કરતા કહ્યું કે, મને તમારી સેવા કરવા, તમારા દિલમાં જગ્યા કરવાની એક તક આપો. હું તમને ખાતરી પૂર્વક કહું છું, મારો વ્યવહાર અને મારું વર્તન એ હંમેશા આપના દિલમાં જગ્યા કરવા માટેનું હશે. મારો વ્યવહાર મારું વર્તન આ વિસ્તારમાં વિકાસ કરવાનું હશે. હું પણ તમારામાંથી આવેલ એક નાનો કાર્યકર્તા છું.