ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે, ડિસેમ્બર 2021માં રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત પણ કરી દીધી છે. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે, ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં તૈયારીઓની સમીક્ષા કરવા ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું.
ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે ચૂંટણી પંચે બેઠક યોજી હતી. જેમાં ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ ફોર્સના અધિકારીઓ જોડાયા હતા, ત્યારે આ સમીક્ષા બેઠકમાં રાજ્યના સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ તકે ગૃહ વિભાગના અધિકારીઓએ પણ મુખ્ય ચૂંટણી કમિશ્નરને તૈયારીઓની માહિતી આપી હતી. રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે. જોકે, હાલ રાજ્યમાં 18,225 ગામોમાં 14,929 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જેમાં નવી 191 ગ્રામ પંચાયતોને મંજૂરી મળતા હવે રાજ્યમાં 15,120 ગ્રામ પચાયતો થશે, તેમાંથી 10 હજાર ગ્રામ પંચાયતોની આગામી દિવસોમાં ચૂંટણી ચૂંટણી યોજાવા જઈ રહી છે.