/connect-gujarat/media/post_banners/674f7c8b1d0fc8df0733e964f380c506ba6674cfe18b052f48de27a1e876daaf.jpg)
વિશ્વમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના સામે સજ્જ થઈ છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાય હતી. જેમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અને આરોગ્ય તંત્રની સજ્જતા માટે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે યોજાયેલ સમીક્ષા બેઠક પૂર્વે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા સાથે આરોગ્ય મંત્રીના સૂચનોને પણ સાંભળ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બન્ને બેઠક અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે, ત્યારે કોઈએ ડરવાની નહીં પણ કાળજી રાખવાની જરૂર છે. રાજ્યમાં હાલ ૩૩ ટકા નાગરિકોએ જ કોરોના પ્રિકોશનના ડોઝ લીધા છે, તે વધારીને ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે મહાનગરો સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે. દેશમાં તૈયાર થયેલા કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીના બન્ને ડોઝ લેવાથી ભારતીયોમાં રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે આગામી તા. ૨૭મી ડિસેમ્બરના રોજ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે. જેમાં હોસ્પિટલની ક્ષમતા ચકાસવી, ઓકસિજન સુવિધા અને બેડની અવેલીબીલીટી તથા દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારી ચકાસવામાં આવશે.આ સાથે જ ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના દિશાનિર્દેશન મુજબ એરપોર્ટ ઉપર ર% રેન્ડમ ચેક કરવામાં આવશે, તેમજ સ્વૈચ્છિક RTPCR માટેની વ્યવસ્થામાં પણ યાત્રિકોનો સમય ન બગડે તેવું આયોજન કરવામાં આવનાર છે