ભારત દેશને આઝાદી મળ્યાના આજે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કૌરાટ દ્વારા ગાંધીનગર "કમલમ" ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા "કમલમ" ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ માટે જે મહાપુરુષો અને વીરોએ બલિદાન આપ્યું છે, તેઓની યાદમાં યુવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 300થી વધારે જગ્યા પર યોજાશે, જેમાં 30 હજારથી વધુ યુવાનો દ્વારા આવતીકાલે એટલે કે, 15 ઓગસ્ટના રોજ સામુહિક રાષ્ટ્રગાનનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ જન ચેતના જગાડવાના પર્યન્ત સાથે વિવિધ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
"આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે. જેથી આજની પેઢી દેશના મહાપુરુષો અને બલિદાન વીરોમાંથી કઈ શીખ લઈને પ્રેરણા લે તેવા ઉદ્દેશથી યુવા મોરચા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. "આઝાદી કા મહોત્સવ" કાર્યક્રમ થકી દેશના યુવાનોને રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિની પ્રેરણા આપવામાં આવશે. આ ઉપરાંત 134 સ્થળો પર મેરેથોન અને 7 સ્થળો પર સાયકલિંગના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.