દેશમાં 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA તરફથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં છે, ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું હતું. સાથે જ કોંગ્રેસના તમામ ધારાસભ્યો પણ મતદાન કરવા પહોંચ્યા હતા, તો બીજી તરફ NCPના કાંધલ જાડેજા ક્રોસ વોટિંગ કર્યું હતું.
ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહમાં આજે દેશના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સવારે 10 કલાકથી મતદાન શરુ થયું હતું. મતદાનને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારના સમયે મતદાન કર્યું હતું. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજો પણ મતદાન કરવા પહોંચ્યા હતા, સાથે જ પરિમલ નથવાણીએ પણ પોતાનું મતદાન કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે કરાયેલી દ્રૌપદી મુર્મુની પસંદગી એ ઉત્તમ પસંદગી છે. ભાજપના તમામ ધારાસભ્યો દ્રૌપદી મુર્મુને મત આપશે, ત્યારે ભાજપના સૌ નેતાઓને વિશ્વાસ છે કે, આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુ જંગી બહુમતીથી વિજય મેળવશે.
તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્યો પણ મતદાન કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી, સુખરામ રાઠવા સહિતના નેતા અને ધારાસભ્યોએ પણ મતદાન કર્યું હતું. જોકે, એક માત્ર ક્રોસ વોટિંગ NCPના કાંધલ જાડેજાએ કર્યું હતું, તેમણે પોતાનો મત NDAના ઉમેદવારને આપ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ બેલેટ બોક્સને સુરક્ષા વ્યવસ્થા નીચે હવાઈ માર્ગે દિલ્હી લઇ જવામાં આવશે, જ્યાં અધિકારીઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. ત્યારબાદ આગામી તા. 21 જુલાઇના રોજ મત ગણતરી કરવામાં આવશે. ભાજપના 111 અને કોંગ્રેસના 63 ધારાસભ્યો આ મતદાનમાં સામેલ છે, ત્યારે આ તમામ મતનું મૂલ્યાંકન કરવામાં આવશે.