ગુજરાત રાજ્યમાં હાલ 33 જિલ્લાઓ આવેલા છે, જેમાં હવે વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. આ સાથે જ તા. 1 જાન્યુઆરી-2025થી આણંદ, મહેસાણા, વાપી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, નવસારી, નડીયાદ સહિત પોરબંદર મળી 9 પાલિકાને નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થતાં રાજ્યમાં મનપાની સંખ્યા વધીને હવે 17 મનપા થઈ છે.
2025ના નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકાર દ્વારા ભેટ ધરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને હવે નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે. સૂત્રો મુજબ નવા જિલ્લાની સાથે નવા 2 તાલુકા બની શકે તેમ છે. જેમાં એક થરાદમાં આવેલું રાહ ગામ અને પાલનપુર તાલુકામાં આવેલ ગઢ ગામનો સમાવેશ થાય છે. હાલ બનાસકાંઠાનું વડુમથક પાલનપુર છે. પરંતુ વાવ-થરાદ નવો જિલ્લો જાહેર થતા તેમાં વાવ, સુઈગામ, થરાદ, દિયોદર, ભાભર, લાખણી અને કાંકરેજનો સમાવેશ થશે, જ્યારે પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા, ધાનેરા, દાંતિવાડા અને વડગામ હાલના જિલ્લામાં જ રહેશે. જોકે, વર્ષ 2027ની ચૂંટણી અગાઉ સીમાંકન બદલાશે, જેના કારણે વિધાનસભાની સીટ 182થી વધી શકે છે.
આ નિર્ણયથી વહીવટીય સરળતાનો લાભ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળી શકે છે. જૂનો બનાસકાંઠા જિલ્લા વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો હોવાથી સરકારી કામકાજ માટે લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026માં અસ્તિત્વમાં આવનારા નવા વિસ્તાર માટે ચૂંટણી યોજાઈ શકે છે. ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરીએ જણાવ્યુ હતું કે, ગુજરાતની સ્થાપના થઈ ત્યારે અમદાવાદમાં પણ મ્યુનિસિપાલિટી હતી, પણ અમદાવાદની વધતી જતી વસતિ અને વધતી જરૂરિયાતોને ધ્યાને રાખી અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ અને તે બાદ ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી. કોર્પોરેશનની રચનાનું મૂળ કારણ શહેરીકરણ છે. સામાન્ય રીતે ગુજરાત સરકારે કોર્પોરેશનની રચના કરવા માટે કોઈ ચોક્કસ નીતિ-નિયમો નથી બનાવ્યા. પરંતુ જે શહેર કે, વિસ્તારની વસતિ 2 કે, અઢી લાખ કરતાં વધુ હોય અને આસપાસના ગામ સુધી શહેર વિસ્તરી ગયા હોય, ત્યારે આ ગામડાને જોડી એક કોર્પોરેશન વિસ્તાર બનાવવો એવી વાત હાલ ચાલી રહી છે. તો બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા માટે ખાસ કરીને વિસ્તાર અને વસતિને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે.