ગીરસોમનાથ : પ્રસૂતિની પીડા થતા ગ્રામજનોએ પાણીના પ્રવાહ વચ્ચે મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડી,જુઓ દિલધડક વિડીયો

ઉનાના ખત્રીવાડા ગામે રહેતી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઊપડતા રૂપેણ નદીમાં પૂરના પાણીના પ્રવાહ વચ્ચે 50થી વધુ યુવાનોએ સાંકળ બનાવી નદી પાર કરાવી હતી

ગીરસોમનાથ : પ્રસૂતિની પીડા થતા ગ્રામજનોએ પાણીના પ્રવાહ વચ્ચે મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડી,જુઓ દિલધડક વિડીયો
New Update

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ખત્રીવાડા ગામે રહેતી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઊપડતા રૂપેણ નદીમાં પૂરના પાણીના પ્રવાહ વચ્ચે 50થી વધુ યુવાનોએ સાંકળ બનાવી નદી પાર કરાવી હતી

ગીર સોમનાથના ઉનાના ખત્રીવાડા ગામે રહેતા તેજલબેન પ્રતાપભાઈ રાઠોડનો ડિલિવરી સમય નજીક હોવાથી પ્રસૂતિનો દુખાવો ઊપડતા તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવા જરૂરી હતાં, પરંતુ ગામમાંથી પસાર થતી રૂપેણ નદી પર કોઇ જાતનો પુલ ન હોવાથી ત્યાંથી પસાર થવું મુશ્કેલ હતું. ગામના સરપંચ અને આગેવાનોને જાણ કરતા ગામના પચાસથી વધુ યુવાનો એકઠા થઈ ગયા હતા. પોલીસને પણ આ બાબતની જાણ કરી હતી. ગામમાંથી પસાર થતી રૂપેણ નદીમાં પૂરના પાણીનો પ્રવાહ વધારે હોવાથી આ પાણીનાં વહેતા પ્રવાહમાંથી કોઈ વાહન પસાર થઈ શકે તેમ ન હતું. જેથી આ ગામના 50થી વધુ યુવાનો ગામના સરપંચ, આગેવાનો તેમજ ઉના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. તમામ યુવાનોએ રૂપેણ નદીમાં વહેતા પાણીમાં એકબીજાના હાથ પકડી સાંકળ બનાવી હતી. આ રૂપેણ નદીનાં વહેતા પાણીનાં પ્રવાહ વચ્ચે સગર્ભા મહિલાને ખાટલામાં સુવડાવી નદી પાર કરાવી હતી. નદીના સામા કાંઠે એક ટ્રેક્ટરને બોલાવવામાં આવ્યું હતું. તેમાં મહિલાને સનખડા ગામે હેમખેમ પહોંચાડવામાં આવી હતી. તેમ છતાં ખત્રીવાડા- સનખડા ગામ વચ્ચે રસ્તા પર પાણી ફરી વળતાં અવરજવર થઈ શકે તેમ ન હોવાથી પાણીમાં ટ્રેક્ટર પણ ફસાઈ ગઈ હતી. તેની મદદ માટે જેસીબી બોલાવવામાં આવ્યું હતું. સનખડા ગામે પહોંચતા અગાઉ 108ને જાણ કરી દેતાં 108 એમ્બ્યુલન્સના કલ્પેશ પટેલ તેમજ ભરત બાંભણિયા ત્યાં પહોંચી ગયા હતા. યુવાનોએ અને પોલીસ સ્ટાફે મહિલાને ટ્રેક્ટરમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડી ઉના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #water #hospital #villagers #Rainfall #pregnant woman #Gir Somanath #pains
Here are a few more articles:
Read the Next Article