ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનાં 6 ગામના બિસ્માર અને કાચા રસ્તાને લઈને 15 હજારથી વધુ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના 6 ગામના 15 હજારથી વધુ લોકોને બિસ્માર અને કાચા રસ્તાને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેરાવળ અને તાલાલા આ બે તાલુકાને જોડતા રસ્તા માટે ઇન્દ્રોય, કોડીદ્રા, પંડવા, ગાભા, ગુણવંતપુર, મંડોર ગામના રસ્તા છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બનતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. છ ગ્રામપંચાયતો દ્વારા સંલગ્ન તંત્રને અનેક વાર લેખિત રજુઆત કરવામાં આવી છે છતાં કોઈ સાંભળતું ના હોવાની વ્યથા ગ્રામજનોએ વ્યક્ત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ 6 ગામના 15 હજારથી વધુ લોકો આ રસ્તા પર અવર જવર કરે છે.
સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ ગ્રામપંચાયતોની રજુઆતના પગલે વડી કચેરી અને સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે અને યોગ્ય નિર્ણય લેવાયા બાદ જલ્દી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વેરાવળ અને તાલાલા બે તાલુકા ને જોડતા અને 6 ગામના લોકો માટે ઉપયોગી રસ્તા માટે છેલ્લા સાતેક વર્ષથી ગ્રામ પંચાયતો તંત્રમાં રજૂઆતો કરે છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી અને બીજી તરફ 15 હજારથી વધુ ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર ગ્રામજનોની સમસ્યાનો ક્યારે ઉકેલ લાવે છે તે જોવું રહ્યું.