Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : પરિવારની સામે જ ઘરમાં રમતા બાળકને દીપડો ઉઠાવી ગયો, દીપડાને પાંજરે પુરવા વન વિભાગની કવાયત..!

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,

X

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો, ત્યારે કલાકોની શોધખોળ બાદ શેરડીના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે આદમખોર દીપડાને પાંજરે પુરવા વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં દીપડાઓ હવે આદમખોર બની રહ્યા છે, અને હવે માનવજાત ઉપર હુમલા કરી મોતને ઘાટ ઉતારી રહ્યા છે, ત્યારે સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત રમેશ જાદવનો 2 વર્ષનો દીકરો ઘરની ઓસરીમાં રાત્રે 9 કલાકના અરસામાં રમતો હતો. તે સમયે અચાનક દીપડો આવી પરિવારની નજર સામે જ બાળકને ઘસડીને લઈ ગયો હતો. આખરે બુમાબુમ થતા આસપાસના વિસ્તારના લોકો અને ગામ લોકો એકઠા થઇ બાળકની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે કલાકો બાદ ઘર નજીક આવેલ શેરડીના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

તો બીજી તરફ, બાળકના મોત બાદ ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. બનાવના પગલે સુત્રાપાડા અને વેરાવળ વન વિભાગની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો, જ્યાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભૂતકાળમાં પણ દીપડાએ બાળકને ફાડી ખાધાની ઘટના બની હતી, ત્યારે ફરી એક વખત આ વિસ્તારમાં બાળક પર દીપડાનો હુમલો થતાં ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે. સમગ્ર મામલે વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પાંજરા મુકી માનવભક્ષી દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

Next Story