Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : પુરુષોત્તમ માસ નિમિત્તે વેરાવળની મહિલાઓ દ્વારા ગોપી ભાવે કરાતી અનોખી “વલોણા ભક્તિ”

હાલ અધિક "પુરુષોત્તમ માસ" ચાલી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આધુનિકતામાં પણ પૌરાણિકતાના દર્શન મહિલાઓ ગોપી ભાવે કરાવી રહી છે.

X

હાલ અધિક "પુરુષોત્તમ માસ" ચાલી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આધુનિકતામાં પણ પૌરાણિકતાના દર્શન મહિલાઓ ગોપી ભાવે કરાવી રહી છે. ગોરમા સાથે બાલકૃષ્ણ તેમજ વલોણા રાસ સાથે પૌરાણિક ભજન કીર્તન અને પૂજાથી સૌ મહિલાઓ બાલકૃષ્ણ અને ગોરમા પાસે સમગ્ર માનવજાત અને ગૌમાતાઓના રક્ષણની પ્રાર્થના કરતી જોવા મળી રહી છે.

દર ત્રણ વર્ષે એક વખત આવતા અધિક માસને ભાવિકો "પુરુષોત્તમ માસ" તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં આ વખતે અનેક સંયોગો પણ જોવા મળ્યા છે. પ્રથમ અધિક માસ ત્યારબાદ શ્રાવણ માસ આમ એક સાથે 2 ભક્તિના મહિનાઓ આવ્યા છે. તો મહામારી કોરોના કાળ અને ત્યારબાદ ગૌમાતાઓમાં લમ્પિ વાયરસ આમ 2 મહામારી વિત્યા પછી એકી સાથે 2 માસ ભક્તિના આવતા પૌરાણિક પરંપરા અનુસાર શેરીઓ અને ગલીઓમાં મહિલાઓ ગોરમા અને બાળ કૃષ્ણનું સ્થાપન કરે છે. એક માસ પર્યંત પોતે ગોકુળ મથુરામાં ભગવાન બાલકૃષ્ણ સાથે સમય વિતાવી રહી હોય તે પ્રકારે "આંબુડું-જાંબુડું" જેવા ગીતો સાથે કર્મ સ્વરૂપે ખેતર ખેડી ભગવાન સન્મુખ ગોપી બનીને તેમની ભાવવિભોર કીર્તન સાથે પુજા-અર્ચના કરે છે.

ગીર સોમનાથના વેરાવળમાં ગોપીઓએ સાથે મળીને પૌરાણિક પરંપરા અને આધુનિક ભક્તિના સમૂહ દર્શન કરાવી રહી છે. જેમાં પૌરાણિક યુગમાં જે વલોણાથી ભગવાન મહી એટલે કે, દહી વલોવતા હતા તેવા વલોણામાં માખણ અને મિસરી સાથે મહિલાઓ ગોપી ભાવે વલોણા રાસ લઈ અને ભગવાનને વિનવી રહી છે. કૃષ્ણ જન્મ મહોત્સવ અને મટકી ફોડ સહિતના ભક્તિસભર કાર્યક્રમો પણ યોજાયા હતા.

Next Story