ગીર સોમનાથના ઘુસિયા ગીર ગ્રામપંચાયતના પૂર્વ સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ બાબતે વર્તમાન મહિલા સરપંચે લેખિત ફરિયાદ કરી હતી
આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા ના ઘુસિયા ગીર ગામના... ઘુસિયા ગીર ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ જીવાભાઈ રામ દ્વારા તેમના શાસનકાળ દરમિયાન આચરેલ કથિત ભ્રષ્ટાચાર હાલ છાપરે ચડીને પોકારતો હોય તેવી સ્થિતિ સામે આવી છે.ગ્રામ પંચાયતોના સ્થાનિક ભંડોળનું નિયમાનુસાર જિલ્લા કક્ષાએ ઓડિટ હાથ ધરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.વર્ષ 2017માં સરકારમાંથી આવેલ કેશ ડોલ્સની 1.71લાખની રકમ સરપંચ જીવાભાઈ રામે વાઉચર વગર અલગ સેલ્ફ ચેકથી ઉપાડી હોય જેની યથાર્થતા જણાતી ના હોવાથી જિલ્લા કક્ષાએ થયેલ ઓડિટમાં સમગ્ર ભ્રષ્ટાચાર છતો થતાં ઘુસિયા ગ્રામ પંચાયતના વર્તમાન મહિલા સરપંચ નીતાબેન રામ દ્વારા આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત સાથે ભ્રષ્ટાચારી પૂર્વ સરપંચ વિરુદ્ધ કડક અને શીક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરતાં ચકચાર જાગી છે
ગ્રામપંચાયતમાં સતા સ્થાનેથી થયેલ કથિત ભ્રષ્ટાચાર મામલે ગીર સોમનાથ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તાલાલા તાલુકા વિકાસ અધિકારીને પૂર્વ સરપંચ સામે રેવન્યુ રાહે વસુલાત સાથે કાર્યવાહીનો આદેશ કરતાં તાલુકા વિકાસ અધિકારીએ પણ કવાયત હાથ ધરી છે.