/connect-gujarat/media/post_banners/38c17d804dec5dd1b8c9b4a2497e0b71cf991f804639dd766ed7c7377eb3b88b.jpg)
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગીર જંગલ અને ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર જલમગ્ન થઇ ગયુ હતુ. આ સાથે જ જિલ્લાના મોટા ડેમ પણ વરસાદી પાણીથી છલકાય ઉઠ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા હિરણ-2 ડેમમાં એક જ દિવસમાં 4.5 ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે. હિરણ-2 ડેમ 3 તાલુકાના 2 શહેરો અને 80 જેટલા ગ્રામ્ય વિસ્તારના ગામોને, 2 ઉઘોગો અને સોમનાથ ટ્રસ્ટને પીવાનું પાણી પુરૂ પાડે છે.
ગીર જંગલ નજીક ઉમરેઠી ગામ પાસે આવેલા હિરણ-2 ડેમમાં જંગલ વિસ્તારમાં વરસતા વરસાદનું પાણી કુદરતી નદી-નાળા મારફત ઠલવાય છે, ત્યારે ગીર જંગલ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે હિરણ-2 ડેમમાં સવારથી જ પાણીની આવક શરૂ થઇ છે. જેના લીધે હાલ ડેમ 38 ટકા ભરાઈ ગયો છે, તો મચ્છુન્દ્રી-કોડીયા ડેમ તથા દ્રોણેશ્વર ડેમમાં પણ નવા નીર આવ્યા છે.
નવા પાણીની આવકથી પાણીની સમસ્યા હલ થશે તેમ છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં રવિવારની આખી રાત્રી વિજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જોકે, આજે વહેલી સવારથી જ જિલ્લાના 6 તાલુકાના આકાશમાં કાળા ડિંબાગ ઘેરાયેલા વાદળો સાથે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.