જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન
પાક નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની
ગુજરાત સરકારે ખેડૂત હિતમાં રાહત પેકેજ જાહેર કર્યું
રાહત પેકેજને અપૂરતું ગણાવી ખેડૂતોએ પ્રતિક્રિયા આપી
સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી
ગુજરાત સરકારે ખેડૂત હિતમાં 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. તો બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ પ્રતિક્રિયા આપી રાહત પેકેજને અપૂરતું ગણાવ્યું હતું.
સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગીર પંથકના 6 તાલુકાઓમાં મગફળી તથા સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. જોકે, ખેડૂતો લાંબા સમયથી રાહત પેકેજની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા રૂ. 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
સરકારનું કહેવું છે કે, આ ઐતિહાસિક રાહત પેકેજ ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે. પરંતુ ગીર સોમનાથના ઘણા ખેડૂતો રાહત પેકેજને ઓછું ગણાવી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે, કમોસમી વરસાદે મગફળી સહિત સોયાબીન જેવા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વિઘાદીઠ 15થી 20 હજાર રૂપિયાનું નુકસાન ખેડૂતોએ વેઠ્યું છે, જ્યારે સરકારે વિઘાદીઠ માત્ર 3,500 રૂપિયાની સહાય જાહેર કરી છે, ત્યારે ખેડૂતોએ આ રાહત પેકેજને અપૂરતું ગણાવી તેમના સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી માંગ કરી છે.