-
ધાર્મિક સ્થળો પર ઓનલાઇન બુકિંગના નામે છેતરપિંડી
-
સોમનાથના ભક્તોને સાવચેત રહેવા ટ્રસ્ટ દ્વારા કરાઈ અપીલ
-
ઠગો દ્વારા ઓનલાઇન બુકિંગના નામે કરવામાં આવે છે છેતરપિંડી
-
ટ્રસ્ટ દ્વારા QR કોડ કે UPI થી પેમેન્ટ માંગવામાં આવતું નથી
-
ઓફિસિયલ વેબસાઈટ somnath.org પર બુકિંગ કરવા કરાઈ અપીલ
ગીર સોમનાથ ખાતેના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવજીના દર્શને આવતા ભક્તો સાથે ઓનલાઇન બુકિંગના નામે છેતરપિંડીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સાવચેત રહેવા માટે ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે.
ગીર સોમનાથનાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે પ્રતિવર્ષ કરોડો યાત્રી આવતા હોય છે. સોમનાથ આવનાર ભક્તોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે રહેવા માટે અતિથિગૃહની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજે જ્યારે ભક્તો ઓનલાઇન બુકિંગ કરીને જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે,ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની ઓફિશ્યલ વેબસાઈટ somnath.org પરથી 120 દિવસ એડવાન્સમાં બુકિંગ સ્વીકારવામાં આવે છે. ત્યારે આ અતિથિગૃહોમાં ઓનલાઇન બુકિંગ કરવા માટે ઘણી વખત સર્ચ એન્જિન પર સર્ચ કરનારા લોકોને ફસાવવા માટે ભેજાબાજો દ્વારા બોગસ વેબસાઇટ અને નંબર સોમનાથ બુકિંગ ના કી-વર્ડ સાથે સ્પોન્સર કરીને યેનકેન પ્રકારે જોડવામાં આવે છે.
લોકો Google પર સોમનાથ બુકિંગ સર્ચ કરે એટલે જુદી જુદી સ્પોન્સર વેબસાઈટ પર આ વ્યક્તિનો નંબર અને સોમનાથના અતિથિગૃહોના ફોટા આવે છે.આ ઠગ તેમની પાસેથી બેંક ટ્રાન્સફર અથવા યુપીઆઈ મારફતે પૈસા ઉઘરાવી લે છે,લોકો સોમનાથ આવે ત્યારે તેમને ખ્યાલ આવે કે તેમના નામનું કોઈ બુકિંગ થયું જ નથી.
ત્યારે વેકેશનમાં છેતરપિંડીના બનાવો ન બને અને યાત્રિકો ફ્રોડનો ભોગ ન બને તે માટે ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ પર પણ ચેતવણી અને સ્ક્રોલ મુકવામાં આવેલ છે,તેમજ સોશિયલ મીડિયા મારફત ભક્તોને સૂચિત પણ કરાયા છે,કે ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ somnath.org સિવાય કોઈપણ માધ્યમને ઓનલાઈન પેમેન્ટ જમા ન કરાવવું તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્યારેય પણ ટેલિફોન, QR કોડ કે UPI થી પેમેન્ટ માંગવામાં આવતું નથી.માત્ર somnath.org પરથી જ ઓનલાઈન બુકિંગ સ્વીકારવામાં આવે છે.