Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : કુદરતી આફતને માનવ સેવાના અવસરમાં ફેરવતી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી...

ભારે વરસાદ બાદ પૂર અસરગ્રસ્ત પરિવારોને હાલાકી, અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું

X

ગીર સોમનાથ જીલ્લામાં વરસેલા ભારે વરસાદ બાદ સુત્રાપાડા પંથકમાં 2 હજારથી વધુ પૂર અસરગ્રસ્ત પરિવારોને આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં અને વિશેષ સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદથી ગીર પંથકના નદી-નાળાઓ સહિત ખેતરો અને રહેણાંક વિસ્તારો પાણીથી તરબોળ થઈ ઉઠ્યા છે. ગત તા. 18 અને 19 જુલાઈના રોજ સુત્રાપાડા પંથકમાં 25 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. સર્વત્ર જળબંબાકારની સ્થિતિમાં લોકોના ઘરોમાં પાણી વરસાદી ભરાયા હતા. જેના કારણે અનાજ સહીતની ઘરવખરી નાશ પામી હતી, ત્યારે સુત્રાપાડામાં 2 હજારથી વધુ પૂર અસરગ્રસ્ત પરિવારને વ્હારે સામાજિક સંસ્થા આવી છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા જરૂરિયાતમંદો માટે રાહત સામગ્રી તૈયાર કરવામાં આવી છે. જેમાં તાલપત્રી, કિચન સેટ, હાઇજીન કીટ અને ફાનસ સહિતની જીવન જરૂરિયાતની સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે, પ્રથમ તબક્કામાં રાશન સામગ્રી બાદ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સાથેની કીટ વિતરણ કરવામાં આવનાર છે, ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સભ્યો સાથે પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા, નગરપાલિકા પ્રમુખ દિલીપ બારડ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં લોકોને રાહત સામગ્રી વિતરણ કરવામાં આવી હતી.

Next Story