Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : તાલાળા મેંગો યાર્ડમાં કેસર કેરીની ભારે આવક, 50% ભાવ ગગડતા કેરીના રસિયાઓમાં ખુશી...

કેસર કેરીના ભાવમાં સીધો જ 50 ટકાનો ઘટાડો થયો છે. જેથી કેરીના રસિયાઓ સહિત ખેડૂતોમાંમાં ખુશીનો માહોલ છવાયો છે

X

વિશ્વ વિખ્યાત ગીરની કેસર કેરીમાં આવેલી તેજી બાદ ભારે માત્રામાં કેરીની આવક થતાં ભાવો ઘટ્યા છે. જેના પરિણામે દેશ-વિદેશના લોકો હાલ કેસર કેરીની મજા મુક્તમને અને ઓછા પૈસે માણી શકે તેવો માહોલ રચાયો છે.

આ વર્ષે ગીર પંથક અને કેરીના ગઢ ગણાતા તાલાળા પંથકમાં કેરીની સિઝનની શરૂઆતમાં તાલાળા મેંગો યાર્ડ ખાતે રોજના 5 હજાર જેટલા કેરીના બોક્ષની આવક થતી હતી. જોકે, ઓછી કેરીના કારણે તેના 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1200થી લઇ 1500 સુધી હતા. પરંતુ હાલ 4 તાલુકાઓમાંથી વ્યાપક પ્રમાણમાં કેસર કેરીના બોક્સની આવક થતાં રોજના 20થી 25 હજાર બોક્સ આવતા કેસર કેરીના ભાવમાં સીધો જ 50 ટકાનો ઘટાડો થયો છે. જેથી કેરીના રસિયાઓ સહિત ખેડૂતોમાંમાં ખુશીનો માહોલ છવાયો છે.

જોકે, આ વર્ષે વિદેશમાં કેરીની નિકાસ પ્રતિ વર્ષ કરતા ઓછી થતાં વિસાવદર, માળીયા, ઉના અને તાલાળા સહિતના 4 તાલુકાઓની કેસર કેરી તાલાળા યાર્ડ ખાતે આવી રહી છે. કેસર કેરી પકવતા ખેડૂતો પણ ઉતાવળે પોતાની કેરી બજારમાં મુકી રહ્યા છે. જેના કારણે હાલ બજારમાં કેસર કેરીનાં ભાવ ઘટ્યા છે. સીઝનના પ્રારંભમાં જ કેરી ઓછી આવતી હતી. કેસર કેરીનાં ભાવ વધુ હોવાના કારણે સામાન્ય લોકો કેસર કેરી મુક્તમને ખાઈ શકે તેમ ન હતું. પરંતુ ભાવ ઘટતા જ હવે લોકો કેસર કેરીની ખરીદી સાથે મુક્તમને ખાઈ શકે તેવો માહોલ રચાયો છે.

Next Story