/connect-gujarat/media/post_banners/3f20da7ec3c1bcb07cb6e177f250aae9bf6f971b03b812c8b4ce5c5c020a2ac3.jpg)
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે ભારતીય તટ રક્ષક દળના રૂ. 27 કરોડના ખર્ચે નવનિર્મિત આવાસો અને હેલિપેડનું રક્ષાસચિવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે કલેક્ટર કચેરીને અડીને આવેલા સ્ટેશન ખાતે ભારતીય તટ રક્ષક દળના જવાનોને રહેવા માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ મળે તે માટે 60 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વ્યાયામ અને રમત-ગમત માટેની સુવિધાઓ, વોલિબોલ અને પરેડ ગ્રાઉન્ડ સાથે સુએઝ ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ સહિત મેસની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી જવાનોને વધુ સારી સગવડો તેમના કામના સ્થળે મળી રહે. આ ઉપરાંત આ સ્ટેશન ખાતે હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે, ત્યારે રક્ષાસચિવ ગિરિધર અરમનેની વિશેષ ઉપસ્થિતિમાં ગાયત્રી અરમનેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રક્ષાસચિવ ગિરિધર અરમનેએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટ રક્ષક દળની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ગુજરાત 1600 કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો ધરાવે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટ રક્ષક દળને વધુ મજબૂત બનાવવું એ આજના સમયની માંગ છે. ગુજરાતમાં હોવરક્રાફ્ટ સ્ટેશન નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત જેટીઓનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ તટ રક્ષક દળના જવાનોને આધુનિક ટેક્નોલોજીના સમન્વય સાધીને વધુ સુસજ્જ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે મહાનિર્દેશક રાકેશ પાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સર્વ આરાધના સાહુ, ડો. કે. રમેશ તથા ભારતીય તટ રક્ષક દળના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.