Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : રાજકીય ઇચ્છાશક્તિના અભાવે વર્ષોથી પીવાના પાણી માટે સંઘર્ષ કરતું જેપુર ગામ...

રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું જેપુર ગામ વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે.

X

રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું જેપુર ગામ વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે. જોકે, હવે જેપુરના ગ્રામજનોની પાણીની મોટી સમસ્યાનું સરકાર વહેલી તકે નિરાકરણ લાવે તેવી આજીજી કરવામાં આવી રહી છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના જેપુર ગામે છેલ્લા 14 વર્ષથી સ્વજલધારા યોજના અંતર્ગત 500 મીટર જેટલા એરિયામાં પાઈપલાઈનની કામગીરી બાકી હોવાથી લોકો એક દાયકાથી પણ વધારે સમયથી ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. જે ગામમાં પીવાનું પાણી ન હોય, ત્યાં ખેતી અને પશુપાલનની શું સ્થિતિ હોય તે કલ્પના કરી શકાય છે. જેમ ઉનાળો આગળ વધે છે, તેમ જેપુર ગામની અંદર પાણીનો પોકાર પણ વધી રહ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના વાડી વિસ્તારની અંદર ખાનગી કૂવામાંથી અમુક વખત મહિલાઓને દયા ખાઈને પાણી તો આપવામાં આવે છે. પરંતુ અમુક વખત પાણી ન મળવાના કારણે 2થી 3 કિલોમીટર દૂર ગયેલી મહિલાઓ બળબળતા તાપમાં ખાલી બેડા લઈને ઘરે પરત ફરે છે. અધિકારીઓ અને તંત્રને અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ જેપુર ગામમાં પાણીની સમસ્યા હલ થઈ નથી.

જેપુર ગામના ઉપસરપંચે જણાવ્યુ હતું કે, ગ્રામ પંચાયત પાસે પાણીનો કોઈ સ્ત્રોત નથી. જેના કારણે લોકોને અમુક વખત જ પાણી આપી શકાય તેમ છે. અને બાકીના સમયે ગ્રામજનોના અપશબ્દો સાંભળવાનો પણ વારો આવે છે. "હર ઘર નલ, ઘર ઘર પાની" જેવી સરકારની તમામ વાતો જૂઠી હોવાનું પણ જણાવ્યુ હતું. ગામના યુવાનો પણ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવે છે. વર્ષો પહેલાની ગ્રાન્ટ માત્ર કાગળ પર રહી હોય અને ફરીથી નવી ગ્રાન્ટ આપવા પણ માંગણી કરવામાં આવી છે.

Next Story