દાહોદની સ્કૂલમાંRTE નિયમના ધજાગરા
ભાજપ નેતાની સ્કૂલે જ તોડ્યો નિયમ
નગરપાલિકાના પ્રમુખની સ્કૂલે તોડ્યો નિયમ
80 વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી સ્કૂલ ફી
PM મોદી અને કલેકટરને કરાઈ ફરિયાદ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલેRTEના નિયમોનું ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે,હાલ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયાની રત્નદીપ સ્કૂલે સરકારનાRTE નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને તમામ હદ વટાવી દીધી છે. આ સ્કૂલેRTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે. આવા એક, બે નહીં, પણ 80થી વધુ વિદ્યાર્થીઓ છે. ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ વાત સ્વીકારી છે કે આ સ્કૂલેRTE એક્ટનો ભંગ કર્યો છે.
આ સ્કૂલ બીજા કોઇની નહીં, પણ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી રાજ કરનારા ભાજપના નેતાની છે. રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ ભાજપના નેતા છે અને દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ છે.
એક વિદ્યાર્થીનેRTE એક્ટ હેઠળ ધોરણ 1થી રત્નદીપ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળ્યું હતું, પરંતુ સ્કૂલે તેની પાસેથી ફી માંગી હતી. ફી ન ભરતા સ્કૂલે તેના વાલીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી બાકીની રકમ નહીં ભરો ત્યાં સુધી તમારા દીકરાને સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે. ત્યાર પછી વિદ્યાર્થીને ઘરે બેસીને ભણવાની ફરજ પડી હતી. તેના વાલીએ 10મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજુઆત કરી હતી.
આ પત્રમાં વાલીએ દાવો કર્યો કેRTE એક્ટ હેઠળ એડમિશન લીધું હોવા છતાં સ્કૂલે પહેલા ધોરણથી જ ફી માગવાનું ચાલુ કર્યું હતું, જેના કારણે અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ સમયે કુલ 18 હજાર રૂપિયા ફી ભરી છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તરફથી ફી માંગવામાં આવે છે.
ગેરકાયદે ફી વસૂલતી આ સ્કૂલ માત્ર આ એક જ વિદ્યાર્થી નહીં, પણ 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારની ફી વસૂલ કરી છે.ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે,જોકે હવે જોવું એ રહ્યું કે ભાજપના નેતાની સ્કૂલ છે તો સરકારી તંત્ર તપાસ બાદ શું કાર્યવાહી કરે છે.